ગેનીબેનના ઘૂંઘટ પર રેખાબેનનો કટાક્ષ, કહ્યું- 'હું એક દિવસ માટે માથે નથી ઓઢતી, રોજ લાજ કાઢું છું'
બનાસકાંઠા બેઠક પર બંન્ને પક્ષોએ મહિલા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચે સમગ્ર કાર્યક્રમ જાહેર કરતા તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે આ વખતે બનાસકાંઠા બેઠક પર બંન્ને પક્ષોએ મહિલા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. એક તરફ કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર અને બીજી તરફ છે ભાજપના રેખાબેન ચૌધરી છે. આ બેઠક ઘૂંઘટને લઈ ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલા ગેનીબેન ઠાકોરે કોતરવાડામાં ઘૂંઘટમાં રહીને જાહેરસભાને સંબોધન કર્યું હતું. હવે આના પર ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીએ કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે, 'હું એક દિવસ નહીં, રોજ માથે ઓઢું છું.'
'મને તકલીફ નહીં પડે કારણ કે હું શિક્ષિત છું'
એક સભાને સંબોધતા રેખાબેન ચૌધરીએ કહ્યું હતું કે, 'લોકો મને પૂછે છે તમે શિક્ષિત છો તો કેમ માથે ઓઢો છો ત્યારે લોકોને કહું છું, કે હુ મારા પરિવારની અને મારા બનાસકાંઠાની પરંપરા આગળ લઇ જવા માંગું છું. એટલે હુ એક દિવસ માટે નથી ઓઢતી હુ રોજ માટે ઓઢું છું. જ્યારે હું દિલ્હીમાં જઈશ અધિકારી સાથે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ કરવાનું હશે, મને જરા પણ તકલીફ નહીં પડે કારણ કે હું શિક્ષિત છું.'
ગેનીબેને ઘૂંઘટમાં રહીને જાહેરસભાને સંબોધી હતી
અગાઉ ગેનીબેન ઠાકોરે કોતરવાડામાં સભા સંબોધી હતી. જ્યાં તેમણે ઘૂંઘટમાં રહીને જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે જુવારરૂપી એક મત આપવા મતદારોને આહ્વાન કર્યું હતું. સાથે કોંગ્રેસને જંગી બહુમતીથી વિજયી બનાવવા મતદારોને અપીલ કરી હતી. આ સભામાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.
આ બેઠક પર ભાજપે પહેલીવાર મહિલાને ટિકીટ આપી
કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ આપી છે. તો તેમની સામે ભાજપે ડો.રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. રેખાબેન ચૌધરી બિનરાજકીય ઉમેદવાર છે. ભાજપે પહેલીવાર મહિલાને ટિકીટ આપી છે. તેમજ તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ સારૂ એવું નામ ધરાવે છે. જ્યારે કે, બનાસકાંઠામાં ગેનીબેનનો દબદબો છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેરાત કરી દીધી છે. ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે જ્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મેએ મતદાન થશે.જ્યારે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે. આ દરમિયાન રાજકીય પક્ષોઓના વિવિધ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.