Get The App

ગુજરાતની આ બેઠક પર મહિલા ઉમેદવારો મેદાને, કોંગ્રેસ 10 વાર જીતી ચૂકી છે, જ્યારે ભાજપ પાસે હેટ્રિકની તક

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
ગુજરાતની આ બેઠક પર મહિલા ઉમેદવારો મેદાને, કોંગ્રેસ 10 વાર જીતી ચૂકી છે, જ્યારે ભાજપ પાસે હેટ્રિકની તક 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીનો શંખનાદ ફુંકાઈ ચૂક્યો છે. રાજકીય પક્ષો વિજય પતાકા લહેરાવવા માટે ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની 26 બેઠક પર ભાજપે તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ વખતે બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ભાજપે ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે વાવ બેઠકના સિટિંગ ધારાસભ્ય અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. જાણો બનાસકાંઠા બેઠકનો ઈતિહાસ અને જ્ઞાતિનું ગણિત અને તેના રેકોર્ડ વિશે...

કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની બે વાર વિધાનસભા ચૂંટણી જીતી

ગેની ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ કોંગ્રેસમાં સક્રિય મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.

ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી કોણ છે?

બનાસકાંઠા બેઠક પર ભાજપે પહેલીવાર મહિલા ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. ડો. રેખાબેન ચૌધરી બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ ચૌધરીના પૌત્રી છે. તેમની શૈક્ષણિક લાયકાત M.Sc, M.Phil, અને Ph.D (ગણિત) છે. તેમની ઉંમર 44 વર્ષ છે અને તેઓ પાલનપુરના રહેવાસી છે. તેઓ છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ડો. રેખાબેન ચૌધરી ભાજપના મોરબી જિલ્લા પ્રભારી ડૉ. હિતેશ ચૌધરીનાં પત્ની છે. 

લોકસભા 2019 અને 2014માં ભાજપના ઉમેદવારની જીત

• 2019માં ભાજપના પરબત પટેલને 6,79,108 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના પરથી ભટોળને 3,10,812 મત મળ્યા.

• ટકાવારીની રીતે ભાજપ ઉમેદવારને 61.62 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 28.20 ટકા મત મળ્યા હતા.

• એ વર્ષે બસપા અને નોટામાં પણ સરેરાશ 23 હજારથી વધુ મત પડ્યા.

• 2014માં ભાજપના હરિ પરથી ચૌધરીને 5,07,856 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના જોઈતા પટેલને 3,05,522 મત મળ્યા.

• ભાજપના ઉમેદવારને 57.23 ટકા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 34.43 ટકા મત મળ્યા હતા.

• એ વર્ષે બસપા, અપક્ષ અને નોટામાં 39 હજારથી વધુ મત પડ્યા હતા.

આ બેઠક પર કોંગ્રેસે 10 વાર જીત મેળવી

બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ 10 વાર જીત્યું છે. કોગ્રેસના અકબર દાલુમિયા ચાવડા અને બી.કે. ગઢવી બે-બે ટર્મ સુધી સાંસદ રહ્યા હતા. વર્ષ 2009 પછી કોંગ્રેસે આ બેઠક ગુમાવી હતી અને સતત બે ટર્મથી ભાજપનો વિજય થયો છે.

બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો

બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠક પર કુલ 19.53 લાખ મતદારોમાં સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો આવેલા છે. ત્યારે આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક પૈકીની વડગામ અને કાંકરેજ બેઠક પાટણ લોકસભા મતદાર વિસ્તારમાં આવે છે. તેને બાદ કરતા દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર મળી સાત વિધાનસભા બેઠકો આવેલી છે. બનાસકાંઠા બેઠક ઉપર કુલ 19,53,287 મતદારો નોંધાયેલા છે. જેમાં રાજકીય તજજ્ઞો દ્વારા જ્ઞાતિ આધારિત મતદારોની યાદીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં સોથી વધુ ઠાકોર સમાજના 3,43,122 મતદારો તેમજ ચૌધરી સમાજના 2,70,950 મતદારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં વાવ બેઠક ઉપર સોથી વધુ ઠાકોર સમાજના 82,852 મતદારો, જ્યારે થરાદ બેઠક ઉપર સોથી વધુ ચૌધરી સમાજના 72,567 મતદારો હોવાનો અંદાજ છે.

બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી સમાજની સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બ્રાહ્મણ, રબારી  અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્વ ધરાવે છે. જેમાં પાલનપુર, ડીસા અને દિયોદર બેઠક ઉપર પાટીદાર સમાજનો દબદબો છે. બનાસકાંઠા બેઠક કબજે કરવા ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા મોટા સમાજના મતો અંકે કરવા રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે, ત્યારે ચૂંટણીમાં મતદારોમાં ક્યા પક્ષ કે ઉમેદવારની પસંદગી કરે છે તેને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

જ્ઞાતિ પ્રમાણે મતદારો

ઠાકોર3,43,122
ચોધરી2,70,950
અનુ.જાતિ1,60,321
રબારી1,58,005
રાજપૂત66,497
બ્રાહ્મણ95,610
પ્રજાપતિ68,563
અનુ.જનજાતિ171,632
દરબાર71,450
મુસ્લિમ96,242
પાટીદાર39,345
માળી47,635

ગુજરાતની આ બેઠક પર મહિલા ઉમેદવારો મેદાને, કોંગ્રેસ 10 વાર જીતી ચૂકી છે, જ્યારે ભાજપ પાસે હેટ્રિકની તક 2 - image


Google NewsGoogle News