હોસ્પિટલમાં ઓક્સિજન નહીં હોવાથી કોરોના દર્દીઓને મિનરલ વોટર ચઢાવાય છે
પટણા, તા.15 એપ્રિલ 2021, ગુરૂવાર
કોરોનાની બીજી લહેરે દેશના સંખ્યાબંધ રાજ્યોમાં ભયાનક સ્થિતિ સર્જી છે. જેના પગલે હવે મેડિકલ સુવિધાઓ પરનુ ભારણ એટલુ વધી રહ્યુ છે કે, દર્દીઓ હોસ્પિટલની બહાર જ સારવારના અભાવે મોતને ભેટી રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે બિહારની રાજધાની પટણાની સૌથી મોટી બીજા ક્રમની હોસ્પિટલ એનએમસીએચની બહાર એમ્બ્યુલન્સની લાઈનો છે અને દર્દીઓને હોસ્પિટલના બેડ ફુલ હોવાથી એન્ટ્રી નહીં મળતી નથી. કેટલાક દર્દીઓના એમ્બ્યુલ્ન્સમાં જ સારવારના અભાવે મોત થઈ જાય છે. મોતને ભેટનાર દર્દીઓના સ્વજનોના રડી રડીને ખરાબ હાલ જોવા મળી રહ્યા છે.
મંગળવારે જ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે જ હોસ્પિટલની બહાર એક દર્દીનુ દોઢ કલાક સારવાર વગર પડી રહેવાથી મોત થયુ હતુ. હોસ્પિટલમાં દાખલ દ્રદીઓના સ્વજનોનો તો એવો ચોંકાવનારો આક્ષેપ છે કે, દર્દીઓને ઓક્સિજન મળી રહ્યો નથી અને તેમને વિકલ્પ તરીકે મિનરલ વોટર ચઢાવવામાં આવી રહ્યુ છે. દર્દીઓને જોવા માટે ડોક્ટરો જતા સુધ્ધા નથી.હોસ્પિટલમાં બેડ ફુલ હોવાથી દર્દીઓ કલાકો સુધી રાહ જોઈને પાછા જઈ રહ્યા છે.
ડોક્ટરો અને સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી પીપીઈ કિટના પણ હોસ્પિટલની બહાર ખુલ્લામાં ઢગલા જોવા મળી રહ્યા છે.