યુનિ.કેમ્પસ વિસ્તારમાં પોણો કલાકમાં બે યુવતીના મોબાઇલની લૂંટ કરી બાઇક સવાર ફરાર
વડોદરાઃ એમ એસ યુનિ.કેમ્પસ વિસ્તારમાં ગઇ કાલે સાંજે પોણો કલાકના ગાળામાં બે નોકરીયાત યુવતીના મોબાઇલની લૂંટના બનાવ બનતાં પોલીસે બાઇક સવાર લૂંટારાની શોધખોળ હાથ ધરી છે.
ફતેગંજની મહિલા હોસ્ટેલમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતી પિનલ બારીયા નામની ગોધરાની યુવતી જોબ પરથી છૂટી કંપનીની બસમાંથી ઉતરી હોસ્ટેલ તરફ જતી હતી ત્યારે સાંજના સાડા છ વાગે બાઇક પર આવેલા બે યુવકો પૈકી એક નીચે ઉતર્યો હતો.
યુવતી કાંઇ સમજે તે પહેલાં તેના હાથમાંથી મોબાઇલ લૂંટયો હતો.યુવતીએ ખેંચતાણ કરતાં તે પડી ગઇ હતી.બંને લૂંટારા ફતેગંજ યોગ નિકેતન તરફ ભાગી ગયા હતા.
અન્ય એક બનાવમાં સાવલી પોલીસમાં જીઆરડી તરીકે ફરજ બજાવતી જયશ્રી ધુ્રવકુમાર(મધુવન નગર,આજવા,રાયણ તલાવડી,વાઘોડિયા)સાંજે યુનિ.પેવેલિયન ખાતે રનિંગ કરીને ફોન પર વાત કરતી જતી હતી ત્યારે તુલસી હોટલ પાસે બાઇક સવાર બે લૂંટારાએ તેનો મોબાઇલ લૂંટી લીધો હતો.જેથી સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.