કરમસદ નજીક સ્કૂલ બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત
- વ્રજભૂમિ સ્કૂલની બસ વિદ્યાર્થીઓ લેવા જતી હતી
- મૃતક મહેળાવ ગામનો હોવાનું ખૂલ્યું : રોંગ સાઇડમાં ચાલક બાઇક હંકારતો હોવાનું સીસીટીવીમાં દેખાયું
આણંદના ઓડ ગામે રહેતા અને વ્રજભૂમિ સ્કૂલની બસમાં ડ્રાઈવિંગ કરતા ભરતસિંહ મનહરસિંહ પરમાર બુધવારે સવારે સ્કૂલ બસ લઈને બાળકો લેવા માટે નિકળ્યા હતા. તે વિદ્યાનગરની જનતા ચોકડી ક્રોસ કરીને કરમસદના તિરૂપતિ પેટ્રોલ પંપ નજીક પહોંચતા રોંગ સાઈડમાંથી પુરઝડપે આવેલા બાઈક ચાલકે સ્કૂલ બસ સાથે અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક બસના આગળના ભાગે અથડાતા ચાલક રોડ પર ફંગોળાયો હતો.
અકસ્માતને પગલે સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. જેથી ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, ગંભીર ઈજાઓના કારણે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ વિદ્યાનગર પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી હતી.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરતા મૃતક રાહુલ લક્ષ્મણભાઈ ઠાકોર (ઉં.વ.૨૧, રહે. મહેળાવ, પેટલાદ) હોવાનું અને બાઈક લઈને જીઆઈડીસી ખાતે કામ પર જતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા રાહુલ રોંગ સાઈડમાં બાઈક હંકારતો નજરે પડયો હતો.