સલુણની સીમમાં ડમ્પરની ટક્કરે બાઈક ચાલકનું મોત
- નડિયાદ-ડાકોર રોડ ઉપરનો બનાવ
- બાઈક સવાર એક વ્યક્તિને ઈજા, પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી
નડિયાદ : નડિયાદ-ડાકોર રોડ ઉપર સલુણ ગામની સીમમાં કપચી ભરેલા ડમ્પરે ટક્કર મારતા બાઈક સવાર બે વ્યક્તિઓ નીચે પટકાયા હતા. જેમાં બાઈક ચાલકના ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
નડિયાદ-ડાકોર રોડ પર સલુણ ગામની સીમમાંથી બે વ્યક્તિઓ એક બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રોડ પર પુરઝડપે આવેલા કપચી ભરેલા ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી. પરિણામે બાઈક ચાલક અને બાઈક સવાર બંને વ્યક્તિ રોડ પર પટકાયા હતા.
જેમાં બાઈક ચાલક ઉપર કપચી ભરેલા ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું. જેથી બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક સવાર વ્યક્તિને વધતી-ઓછી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડયા હતા. અકસ્માતની જાણ થતાં નડિયાદ ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ત્યાર બાદ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.