નડિયાદ ડાકોર રોડ પર કાર પાછળ ઘૂસી જતા બાઈક ચાલકનું મોત
ચેતક પાર્ટી પ્લોટ નજીક અકસ્માત સર્જાયો
સલુણ વાંટા ખ્રિસ્તી ફળિયામાં રહેતો યુવાનનું મૃત્યુ, પાછળ બેઠેલા અન્ય યુવક સારવાર હેઠળ
નડિયાદ તાલુકાના સલુણ વાંટા ખ્રિસ્તી ફળિયામાં રહેતા જોની કુમાર ઈશ્વરભાઈ પરમાર રોબીન કુમાર રાજેશભાઈ મેકવાનને મોટરસાયકલ પાછળ બેસાડી નડિયાદ ડાકોર રોડ ઉપરથી પસાર થતા હતા. દરમિયાન ચેતક પાર્ટી પ્લોટ સામે વળાંક લેતી કાર પાછળ ધડાકાભેર મોટરસાયકલ અથડાતા બાઈકનો ભૂકકો બોલી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બંનેને શરીરે ગંભીર ઈજા થઈ હતી. જે પૈકી બાઇક ચાલક જોનીકુમાર ઈશ્વરભાઈ પરમાર (ઉં.વ.૨૮)નું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલો રોબીનકુમાર રાજેશભાઈ મેકવાન (ઉં.વ.૨૧)ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા નડિયાદ ટાઉન પોલીસ તુંરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જો કે આ લખાય છે ત્યારે આ બનાવ અંગે હજુ સુધી નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ નથી.