ટ્રકે ટલ્લો મારતાં બાઈકસવાર દંપતિ ખંડીત : પતિની નજર સામે પત્નીનું મોત
- મહુવા-સાવરકુંડલા હાઈ-વે પર સર્જાયો અક્સમાત
- હોસ્પિટલના કામ અર્થે નાની ખેરાળીથી મહુવા આવતાં દંપતિને તાવેડા નજીક અકસ્માત નડયો : પતિને પણ ગંભીર ઈજા
બનાવ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે મહુવા-સાવરકુંડલા હાઈ-વે પર તાવેડા ગામના પાટીયા નજીક આજે બપોરના સુમારે રાજુલાના નાની ખેરાળી ગામના વતની જશુભાઈ પીઠાભાઈ બલદાણીયા (ઉ.વ.૪૭) અને તેમના પત્ની રેખાબેન બલદાણીયા (ઉ.વ.૪૫) હોસ્પિટલના કામ અર્થે મહુવા આવી રહ્યા હતા તે દરમિયાન સાવરકુંડલા હાઈ-વે પર તાવેડા ગામના પાટીયા નજીક પહોંચતા પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે તેમની બાઈકને ટલો મારી અકસ્માત સર્જાતા બાઈક સવાર રેખાબેન બલદાણીયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ જસુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા મહિલાને મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અનુસંધાને મહુવા ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.