ડભોઇ રોડ પર પતંગની દોરીથી બાઇક સવારનું ગળું કપાઇ જતા મોત
ફૂડ ડિલિવરી કરવા માટે જતો હતો : લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયો હતો
વડોદરા,ફૂડ ડિલીવરી બોય તરીકે નોકરી કરતો યુવક આજે બપોરે પોણા બાર વાગ્યે બાઇક લઇને ડભોઇ રોડ પરથી પસાર થતો હતો. તે દરમિયાન પતંગની દોરીના કારણે તેનું ગળું કપાઇ જતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. કપુરાઇ પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી.
ઉત્તરાયણને હજી એક મહિનાનો સમય છે. પરંતુ, પતંગની દોરીના કારણે ઇજા થવાથી મોતનો પ્રથમ કિસ્સો ડભોઇ રોડ પર બન્યો છે. જેની વિગત એવી છે કે, છોટાઉદેપુરના કવાંટ તાલુકાના મોરગણા ગામે રહેતો ૨૭ વર્ષનો હરિનાથ હસમુખભાઇ રાઠવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. કંપનીમાં રજા હોય ત્યારે તે ફૂડ ડિલીવરી બોયનું પણ કામ કરતો હતો. આજે બપોરે તે ફૂડ ડિલીવરીનો ઓર્ડર ડિલીવર કરવા માટે બાઇક લઇને નીકળ્યો હતો. બપોરે પોણા બે વાગ્યે તે ડભોઇ રોડ શ્રમજીવી સોસાયટી નજીકથી પસાર થતો હતો. તે દરમિયાન પતંગની દોરીના કારણે તેનું ગળું કપાઇ જતા ગંભીર ઇજા થઇ હતી. લોહીલુહાણ હાલતમાં હરિનાથને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
બનાવની જાણ થતા કપુરાઇ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહે તપાસ હાથ ધરી હતી. મરનારના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ થતા તેના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો આવી જતા તેઓને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો.પરિવારજનો મૃતદેહને અંતિમ વિધિ માટે વતન લઇ ગયા હતા.
પતંગ પકડવા જતા બાળક તળાવમાં ડૂબી જતા મોત થયું હતું
વડોદરા,૧૦ દિવસ અગાઉ વાઘોડિયા સોમાતળાવ રોડ પર સાંઇબાબા નગરમાં રહેતા અને ફ્રુટની લારી ચલાવતા ઉષાબેન પ્રહલાદભાઇનો ૯ વર્ષનો પુત્ર રોનક ગઇ કાલે ફ્રુટની લારી લઇ નીકળેલા કુટુંબી સાથે નીકળ્યો હતો. પતંગ પકડવા જતા તે તળાવમાં પડી જતા તેનું મોત થયું હતું.
મૃતક હરિનાથને બે નાના બાળકો છે
વડોદરા,હરિનાથ રાઠવાની પત્ની ઘરકામ કરે છે. તેને સંતાનમાં બે બાળકો છે. યુવાનનું મોત થતા પત્ની અને પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. હરિનાથનો ભાઇ અમદાવાદ ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. ભાઇના મોતની જાણ થતા તે પણ વડોદરા દોડી આવ્યો હતો.