હળવદના રણમલપુર નજીક નર્મદા કેનાલમાં બાઈક ખાબક્યું, પિતા-પુત્રના કરૂણ મોત
એંજાર ગામે જતી વેળાએ દૂર્ઘટના સર્જાઇ
સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેને બહાર કાઢયા નાના એવા ગામમાં પાટીદાર પરિવારના ઘરમાં બે મૃત્યુથી શોક
હળવદ તાલુકાના રણમલપુર ગામના ખેડૂત પિતા પુત્ર સવારે ૮ વાગ્યાની આજુબાજુએ રમલપુર ગામેથી પોતાનું મોટરસાયકલ લઈને એંજાર ગામે હલર લેવા જતા હતા. ત્યારે રણમલપુર પાસે આવેલી નર્મદા કેનાલ નજીક બાઈકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક નર્મદા કેનાલમાં ખાબક્યું હતું.
આ બનાવમાં બાઈક સવાર પિતા અને પુત્ર બંને પાણીમાં ગરકાવ થયા હતા. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ફાયર ટીમ અને ટીકરના સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળ બાદ ધીરૂભાઈ હરજીભાઈ ભોરાણીયા (ઉ.વ.૫૫) અને પુત્ર વિશાલ ધીરૂભાઈ ભોરાણીયા (ઉ.વ.૨૨) રહે રણમલપુર વાળાના મૃતદેને બહાર કાઢયા હતા.
બંને મૃતદેહ પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મોટી સંખ્યામાં પટેલ સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ બનાવથી નાના એવા રણમલપુરમાં શોકનું મોજું વ્યાપી જવા પામ્યું હતું