ટેમ્પાની હેડલાઇટમાં અંજાતા બાઇક ચાલકે અડફેટમાં લેતા એકનું મોત
કામ કરીને શેઠની બાઇક લઇને ઘેર જતા યુવાનને પણ ઇજા થતા સારવાર માટે ખસેડાયો
વડોદરા, તા.8 વડોદરા-વાઘોડિયારોડ પર માડોધર ગામ પાસે સામેથી આવતા ટેમ્પાની હેડલાઇટમાં અંજાઇ ગયેલા બાઇકચાલકે રોડ પર ચાલતા જતા એક રાહદારીને અથાડતા સ્થળ પર રાહદારીનું મોત થયું હતું.
આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકાના માડોધર રાજનગર નવી વસાહતમાં રહેતો ગોવિંદ કાલુભાઇ ભીલાલા વાઘોડિયામાં રહેતા મિતેશ પટેલ સાથે સુથારીકામ કરે છે. ગઇકાલે ગોવિંદ વાઘોડિયામાં કામ માટે ગયો હતો અને સાંજે કામ પરથી છૂટીને ઘેર જતી વખતે તેના શેઠની બાઇક લઇને ઘર તરફ જતો હતો. માડોધર પાસે આશ્રય સોસાયટી પાસેથી પસાર થતી વખતે સામેથી આવતા એક આઇસર ટેમ્પાની ફૂલ લાઇટ પડતાં ગોવિંદ અંજાઇ ગયો હતો અને કશું દેખાતું ન હતું.
દરમિયાન રોડની સાઇડમાં ચાલતા એક પુરુષ સાથે બાઇક અથડાતા ગોવિંદ બાઇક સાથે રોડ પર ઢસડાઇને પડી ગયો હતો. દરમિયાન લોકો ભેગા થઇ ગયા હતાં. થોડી વારમાં એમ્બ્યૂલન્સ આવી ગઇ અને રોડ પર ચાલતા જતા ઇજાગ્રસ્ત શખ્સને ચેક કરતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે ગોવિંદને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. બાદમાં મૃતકનું નામ મોહન ગોવિંદ માનકર (રહે.રાજનગર, તા.વાઘોડિયા) જાણવા મળ્યું હતું.