ગંગોત્રી નેશનલ હાઈવે પર બાઈક ઊંડી ખીણમાં ખાબકી, સુરતના યુવક સહિત બેના મોત, પરિવાર આઘાતમાં
Uttarkashi: ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં સૂરતના એક યુવકના સહિત બેના મોત થયાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક કાબૂ બહાર થઈ જતા અંદાજે 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. બંને લોકો ગંગોત્રી ધામ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી.
સોમવારે બપોરે બની હતી ઘટના
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોમવારે (24 જૂન) બપોરે લગભગ 12:55 વાગ્યે ગંગોત્રી હાઈવે પર ડીએમ સ્લાઈડ પાસે એક બાઇક કાબૂ બહાર જઈને રોડથી લગભગ 150 મીટર નીચે ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ભારે જહેમત ઉઠાવી અને સ્થાનિક લોકોની મદદથી બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ખીણમાં પડી જતાં હેલમેટનો પણ કચ્ચણઘાણ નીકળી ગયો હતો.
સુરતના યુવકનું મોત થયું
બાઈકસવાર બંને મૃતકોની ઓળખ કરવામાં આવી હતી. જેમાં પારસી મહોલ્લા, ઈન્દોરના રહેવાસી અંબિકા પ્રસાદ મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા (47) અને સુરતના રહેવાસી અશ્વિનભાઈના પુત્ર મીત (26) કાછડિયા તરીકે થઈ છે. આ ઉપરાંત આશિષ મિશ્રા પાસેથી મળેલા આઈડી કાર્ડમાં તે આર્મીમાં મેજર હોવાનું બહાર આવ્યું છે. જો કે પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને લોકો ગંગોત્રી ધામ જઈ રહ્યા હતા.