Get The App

આરોપીઓએ કરી આ એક ભૂલ, અને કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ખુલી ગઈ ગૂંચ

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
આરોપીઓએ કરી આ એક ભૂલ, અને કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ખુલી ગઈ ગૂંચ 1 - image


Attempted Train Derailment in Surat : સુરત જિલ્લાના કીમ રેલવે સ્ટેશન નજીક 21 સપ્ટેમ્બર 2024ના રોજ ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના કેસમાં સૌથી મોટો પર્દાફાશ થયો છે. બે દિવસમાં જ આ ગુનાહિત ષડયંત્ર કરનારાઓને પકડી પડાયા છે. જો કે, આ ગુનાહિત ષડયંત્ર રચનારા કોઈ અન્ય નહીં પણ ઘટના સૌથી પહેલા નજરોનજર જોવાનું તરકટ કરનારા રેલવેના ત્રણ કર્મચારી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સુભાષ કુમાર પોદાર (ઉં.39), મનીષ કુમાર મિસ્ત્રી (ઉં.28) અને શુભમ જયસ્વાલ (ઉં.26)ની ધરપકડ કરી છે. પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

ત્યારે હવે ગુનો આચરવાનું કારણ અને કયા આધારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે તેની વિગતો સામે આવી છે. જણાવી દઈએ કે, રેલવે કર્મચારીઓએ 71 ERS પેડલોક અને 2 જોગસ ફિશ પ્લેટ કાઢીને વીડિયો બનાવ્યો હતો, બાદમાં શંકાસ્પદોને નાસ્તા જોયા હોવાનો દાવો પણ કર્યો હતો. પરંતુ ખુદ રેલવે કર્મી જ આરોપી નીકળ્યા છે.

આ પણ વાંચો: કીમમાં ટ્રેન ઉથલાવવાના કાવતરાં અંગે મોટો ખુલાસો, આરોપી વિશે જાણી બધા ચોંકી ગયા

કઈ રીતે આ કાંડનો થયો પર્દાફાશ?

ઘટનાની જાણ થતાં જ પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચીને ચોતરફી તપાસ શરુ કરી દીધી હતી. કીમ-કોસંબા રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં રેલવે ટ્રેક પર ટ્રેક સંદર્ભનું કામ કરનારા લોકોની પૂછપરછ કરાઈ હતી. આસપાસના વિસ્તારના હોટલ, ઢાબા અને ગેસ્ટહાઉસ પર રોકાયેલા લોકોની માહિતી મેળવવામાં આવી હતી. જેથી તેના ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરી શકાય. આ દરમિયાન સૌથી પહેલી આ ઘટનાને જોનાર રેલવેનો કર્મચારી પર શંકા ગઈ હતી. તેનું કારણ એ હતું કે, કોઈ ટૅક્નોલૉજીનું જાણકાર અનુભવી વ્યક્તિ જ આટલા ટૂંકા ગાળામાં 71 ERS પેડલોક અને 2 જોગસ ફિશ પ્લેટ કાઢી શકે . જેથી ઉલટ તપાસ કરાતાં સુભાષ પોદાર જ આરોપી હોવાનું સામે આવ્યું હતું.

આ ગુનામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરાતાં ગુનાવાળી જગ્યાએ પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવેલા અપરેલવે ટ્રેક પર સુભાષ કુમાર પોદારે જોગલ ફિશ પ્લેટ અને ERC ક્લીપો મૂકી હતી અને તેના ફોટો-વીડિયો પોતાના મોબાઇલમાં ઉતાર્યા હતા. પોતાના નિવેદનમાં જાણ કરવા માટે બતાવેલા સમયમાં અને રેલવે વિભાગ તરફથી અપાયેલી માહિતીના આધારે વીડિયોમાં બતાવેલ સમય મુજબ ખૂબ જ નજીકના સમયે ત્યાંથી અન્ય ટ્રેન પસાર થઈ હતી, જે બન્ને વચ્ચેના સમયગાળા દરમિયાન બનેલ બનાવ બની શકે તેમ ન હતો.

સમયમાં તફાવત હોવાનું સામે આવતા પેટ્રોલિંગમાં હાજર ત્રણેય શખ્સોના મોબાઇલ તપાસવામાં આવ્યા. જેમાં મનીષ કુમાર મિસ્ત્રીના મોબાઇલમાં પણ ટ્રેક પર ERC ક્લીપો મૂકી હોવાના ફોટા પાડ્યા બાદ ડિલીટ કરી દેવાયા હતા, જે રિસાઇકલ બીન હિસ્ટ્રીમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આકરી તપાસ-પૂછપરછ કરતાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને સમગ્ર ઘટના અંગે ખુલાસા કર્યા હતા.

આરોપીઓએ કરી આ એક ભૂલ, અને કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ખુલી ગઈ ગૂંચ 2 - image

આ પણ વાંચો: નવરાત્રી માટે સુરત પોલીસનું જાહેરનામું: 12 વાગ્યા સુધી જ સ્પીકરને મંજૂરી, આ નિયમોનું પણ કરવું પડશે પાલન

પ્રમોશન અને ઇનામ મેળવવા માટે રચ્યું હતું ષડયંત્ર

સુભાષ પોદારે ઍવોર્ડ અને પ્રમોશન મેળવવાની લાલચમાં આ કાવતરું ઘડ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ કાંડમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ દ્વારા પોતાની ટ્રેક ઉપર નાઇટ પેટ્રોલિંગની ફરજ દરમ્યાન ગુનાહીત ષડયંત્ર રચી, રેલ્વે ટ્રેક ઉપર જાતે જ ERC ક્લીપો કાઢી નાખી, તથા જોગલ ફીશ પ્લેટ ખોલી ટ્રેક ઉપર મૂકી હતી. ત્યારબાદ અજાણ્યા આરોપીઓ દ્વારા ટ્રેન ઉથલાવી નાખવા માટે ટ્રેક ઉપર મૂકી હોવાનું અને ટ્રેન ઉથલાવી નાખવાના પ્રયાસ કરવામાં આવેલ હોવાની ખોટી હકીકત ઊભી કરી સમગ્ર ષડયંત્ર રચ્યું હતું.

જે કરવા પાછળનું મુખ્ય કારણ ત્રણેય આરોપીઓ ત્રણેય ઇસમોએ પોતાને ઍવોર્ડ (ઇનામ), પ્રમોશન અને પ્રસિદ્ધિ મળે. આ સાથે પોતાની રાતના સમયની મોન્સુન નાઇટ ડ્યુટી ટૂંક સમયમાં બંધ થવાની હોવાથી જો નાઇટ ડ્યુટી ચાલુ રહે તો બીજા દિવસમાં ઓફ મળે છે, તેમાં ફેમિલી સાથે બહાર જઈ શકાય તે હેતુથી આવો બનાવ બને તો મોન્સુન નાઇટ ડ્યુટી લંબાઈ જાય અને લાંબા સમય સુધી ચાલે તેમ હતું.

આરોપીઓએ કરી આ એક ભૂલ, અને કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ખુલી ગઈ ગૂંચ 3 - image

150 જવાનો થયા હતા દોડતા

કીમ નજીક રેલવે ઉથલાવવાના પ્રયાસની ઘટના બનતાં જ પોલીસ અને રેલવે અધિકારીઓ દોડતા થયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને NIA, ATS, SOG, GRP, LCB, LOG, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ડોગ સ્ક્વોડ, સાયબર ક્રાઇમ યુનિટ, કીમ પોલીસ સ્ટેશનના પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ અને ટીમો તપાસમાં લાગી હતી. અંદાજિત 150થી વધુ જવાનો આ ઘટના પાછળ તપાસમાં જોતરાયા હતા. મુખ્ય 5 ટીમ અને 11 સહાયક ટીમ મળીને કુલ 16 પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમ તૈયાર કરાઈ હતી. તો હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ ઇન્ટેલીજન્સની ટીમ પણ કામે લાગી હતી.

આરોપીઓએ કરી આ એક ભૂલ, અને કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ખુલી ગઈ ગૂંચ 4 - image

કયા કયા ગુના હેઠળ નોંધાઈ ફરિયાદ?

કીમ પોલીસ દ્વારા એ.પાર્ટ FIR નં-A. 11214068240578/2024 B.N.Sની કલમ-3(5), 61 (2) (A), 62, 125 મુજબ તથા રેલવે અધિનિયમ-1989ની ક-150(1)(A), 150(2)(B) અને ડેમેઝ ટુ પબ્લિક પ્રોપર્ટી ઍક્ટ-1984ની કલમ-3 મુજબની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ પાસેથી 45 હજારની કિંમતના 3 મોબાઇલ કબ્જે કરાયા છે.

આરોપીઓએ કરી આ એક ભૂલ, અને કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની ખુલી ગઈ ગૂંચ 5 - image

શું બની હતી ઘટના?

પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝને શનિવારે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા લોકોએ કીમ રેલવે સ્ટેશન નજીક ઉત્તર પ્રદેશ લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી. ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. આ સુરત ગ્રામ્ય તેમજ રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝડપથી લાઇન પર ટ્રેન સેવા શરુ કરી દેવાઈ હતી.

આ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા અપલાઇન પર રેલવે ટ્રેકની 71 સેફ્ટી પિન (ઇલાસ્ટિક રેલ ક્લિપ) અને 2 જોગસ ફિશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું ઘડાયાના અહેવાલ વહેતા થયા હતા. હકીકતમાં રેલવેના આ કર્મચારીએ જ 71 ERS પેડલોક અને 2 જોગસ ફિશ પ્લેટ કાઢી પાટા પર ગોઠવી દીધી હતી. ઍવોર્ડ અને પ્રમોશન મેળવવા માટે રેલવે કર્મચારીઓએ હજારો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. પરંતુ પોલીસ અને તપાસમાં લાગેલી અલગ અલગ એજન્સીઓએ અંતે ગુનેગારોને ઝડપી પાડ્યા છે.



Google NewsGoogle News