Get The App

વીજળીના ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો નજીવો ઘટાડો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
વીજળીના ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો નજીવો ઘટાડો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર 1 - image


Gujarat Electricity Fuel Surcharge : ગુજરાત સરકારે પ્રજાને રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે. ઑક્ટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

આ દરમિયાન તેમણે કહ્યું કે, ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઑકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરાયેલા વીજ વપરાશ પર આશરે રૂ.1,120 કરોડનો લાભ થશે. 

ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યુલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળામાં વીજ બળતણના ભાવોમાં થયેલા ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 2.85 પ્રતિ યુનિટ ફ્યુલ સરચાર્જ (FPPPA) વસૂલાતો હતો. 

આ અંગે કનુ દેસાઈએ વધુમાં કહ્યું કે, ઑકટોબર 2024થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળામાં પણ રૂ. 2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુલ સરચાર્જ(FPPPA)ની વસૂલાત કરાય છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જના દર જાળવી રાખ્યો છે.

આ પણ વાંચો: ખ્યાતિ કાંડ બાદ PMJAY-મા યોજના માટે નવી ગાઇડલાઇન જાહેર, મોડી-મોડી સરકારની ઊંઘ ઉડી

રાજ્ય સરકારનો દાવો છે કે, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદીના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઈ ગ્રાહકોના હિતમાં ફ્યુલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કર્યો છે. જે મુજબ પહેલી ઑક્ટોબર 2024થી પ્રવર્તમાન ત્રિમાસિક ગાળામાં કરેલા વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે. જો કે, સામાન્ય લોકોનું કહેવું છે કે, આ ગ્રાહકોના હિતના દાવા પોકળ છે, 40 પૈસાનો ઘટાડો મોંઘવારીથી પીડાતી પ્રજાની મજાકથી વિશેષ કશું નથી. 

કનુ દેસાઈએ કહ્યું કે, ઑકટોબરથી ડિસેમ્બર 2024ના સમયગાળામાં ફ્યુલ સરચાર્જનો દર રૂ. 2.85થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરાશે. ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઑકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ પર આશરે રૂ 1120 કરોડનો લાભ થશે. 

આ ઉપરાંત જે રહેણાક ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરાય છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ 50થી 60ની માસિક બચત થશે.

લોકસભા ચૂંટણી પહેલાં 50 પૈસાનો કર્યો હતો ઘટાડો

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો. ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા 3.35 પ્રતિ યુનિટનો ફ્યુલ સરચાર્જ(FPPPA) વસૂલાતો હતો. જો કે ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરાયો હતો.



Google NewsGoogle News