Get The App

બનાસકાંઠાના કાંકરેજમાં મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ, ગ્રામજનોએ વૉચ ગોઠવી હતી, અનેક ટ્રક જપ્ત

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
બનાસકાંઠાના કાંકરેજમાં મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ, ગ્રામજનોએ વૉચ ગોઠવી હતી, અનેક ટ્રક જપ્ત 1 - image


Mineral Theft in Banaskantha: બનાસકાંઠામાં મોટાપાયે નદીના પટમાંથી બિન અધિકૃત રીતે રેતી ખનન અને ખનીજ ચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડામાં ખનન ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. આ વખતે પોલીસે કે તંત્ર દ્વારા નહી પરંતુ ગ્રામજનોએ જાતે જ વોચ ગોઠવી મોટી ખનન ચોરીને ઝડપી પાડી છે. આ અગાઉ મહિના પહેલાં પણ ખાણ ખનિજ વિભાગે કાંકરેજના અરણીવાડા-ઇમુડેઠા રોડ પરથી ગેરકાયદે રીતે રેતી ભરીને જઇ રહેલા 6 ને ઝડપી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડામાં રોયલ્ટી વિના ખનન ચોરી થઇ રહી હતી. ત્યારે ગ્રામજનોએ જાતે જ વોચ ગોઠવી અરણીવાડા ગામની સીમમાંથી પસાર થતી ટ્રકોને ઘેરી લીધી હતી. લાખોની ખનન ચોરીને અટકાવી તંત્રને થતાં મોટા આર્થિક નુકસાનથી બચાવી લીધું છે. ગ્રામજનોએ ખનન ચોરી કરીને નીકળી રહેલી અનેક ટ્રકોને ઘેરી લીધી હતી. ત્યારબાદ રેતી ભરેલી ટ્રકોને ઉભી રાખી ખનીજ વિભાગને જાણ કરી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ ખનીજ વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કોની રહેમથી આ ખનીજ ચોરી થઇ રહી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે આ અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ થતાં ભૂ માફિયાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે.   બનાસકાંઠા જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમછતાં રેતીચોરી ચાલુ રહેતા ખાણખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

બનાસ નદીમાં રેતીની ચોરી ઝડપાઇ 

અઠવાડિયા પહેલાં ડીસાના મામલદાર ફરિયાદ ગેરકાયદે રેતીની ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે રેડ પાડીને ટ્રક, ડમ્પર, મશીન, રેતીનો જથ્થો સહિત અંદાજે છ કરોડ કરતાં વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. તેમજ ગેરકાયદે રેતી ખનન કરતાં ઈસમો અને વાહન માલીકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



Google NewsGoogle News