શિક્ષણમંત્રી આવતા જ કાટ ખાઈ ગયેલી સાયકલોનું કરાયું રંગ રોગાન, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
Saraswati Sadhana Yojana: સરકાર આપણી પાસેથી પૈસા લે છે અને આપણો જ વિકાસ કરવાનું વચન આપે છે, પરંતુ આપણાં જ પૈસા વેડફાય છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ તાપી જિલ્લામાંથી સામે આવ્યું છે. જ્યાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ 8 અને ધોરણ 9ની વિદ્યાથિનીઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ હવે છેલ્લા એક વર્ષથી હજારો વિદ્યાથિનીઓની સાયકલ ધૂળ ખાતી હાલતમાં વ્યારા સુગર ફેક્ટરીના મેદાનમાં રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પરંતુ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તાપી જિલ્લાની મુલાકાતે હતા, ત્યારે આ ધૂળ ખાતી સાયકલોને રંગ રોગાનનું કામ કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.
શિક્ષણ મંત્રી આ મામલે અજાણ!
જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે વ્યારા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને મીડિયાએ સવાલ કરતા તે અંગે અજાણ હોય, જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે 2023માં વિતરણ માટે આવેલી સાયકલ વિદ્યાથિનીઓ પાસે પહોંચી કેમ નહીં? અને હાલ કલરકામ કરવાનું કારણ શું? તે સવાલ ઊઠી રહ્યા છે.
આ પણ વાંચો: પ્રિયાંશુ હત્યા કેસ: આરોપી કોન્સ્ટેબલના 10 દિવસના રિમાન્ડ મંજૂર, ગુનામાં વપરાયેલી કાર કબજે લેવાઈ
સાયકલ અંગે તપાસ હાથ ધરાશે
વ્યારા સુગર ફેક્ટરીના મેદાનમાં ધૂળ ખાતી સાયકલ અંગે આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલોપમેન્ટ ઓફિસરે જણાવ્યું હતું કે, 'અત્યાર સુધી અમને ખબર નથી અને તમારી જાણ દ્વારા અમને ખબર પડી છે. આ બાબતે અમે તપાસ કરીશું. તપાસના જે કંઇ અહેવાલ હશે તે અમે સરકારને જણાવીશું જેથી સરકાર આગળની કાર્યવાહી કરશે, જ્યારે આ કામ અમારી જાણ બહાર થતુ હતું.'