ભુવા પર છેડતીનો આક્ષેપ કરીને હુમલો, પત્ની-પુત્રને પણ મારકૂટ
વિંછીયા તાલુકાનાં ઢેઢુકી ગામની ઘટનાથી ચકચાર
દેવપરાનાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવનાર ઇજાગ્રસ્ત ભુવા વિરૃધ્ધ પણ મહિલાની પજવણી અને અંધશ્રધ્ધાનાં નવા કાયદા હેઠળ ગુનો દાખલ
પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના ઢેઢુકી ગામની સીમમાં રહેતા
ભુવા ચકુભાઇ પોલાભાઇ સાંકળીયા (ઉ.વ.૬૫)એ વિશાળ સામતભાઈ મેણીયા (રહે. દેવપરા, આણંદપર, તા. ચોટીલા) તથા
અજાણ્યા છ શખ્સો સામે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં
જણાવ્યા મુજબ ભુવા ચકુભાઇ પોતાની વાડીના મકાને સૂતા હતા ત્યારે વિશાલ સહિતનાં ૭
શખ્સોએ મકાનની અંદર પ્રવેશી ક્યાં છે ભુવા ?
તેમ કહી છેડતીનો આરોપ નાખી ધારીયા-છરીથી હુમલો કરી ઇજા કરતાં પ્રથમ જસદણ બાદ
વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ભુવાને બચાવવા પડેલ
પુત્ર ધનજીને પણ આ શખ્સોએ માર માર્યો હતો. જ્યારે ભુવાની પત્નીની સાડી ખેંચી તેની
સાથે ઝપાઝપી કરી હતી.
આ હુમલાના બનાવમાં આરોપી વિશાલના ભાઇ-ભાભી ૨૦દિવસ પૂર્વે
ઇજાગ્રસ્ત ભુવા ચકુભાઈ પાસે દાણા જોવરાવવા આવ્યા હતાં. પરંતુ ભુવા ચકુભાઇએ દાણા
જોવાનું બંધ કર્યાનું કહી દાદાની માનતા કરવાનું કહ્યું હતું. જો કે બાદમાં માનતા
કરવા આવ્યા ત્યારે વિશાલના ભાઇએ તેની પત્નીની ભુવાએ છેડતી કર્યાનો આરોપ નાખ્યો
હતો. તેનો ખાર રાખી વિશાલ સહિતનાઓએ વૃધ્ધ ભુવા ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં
વિંછીયા પોલીસે ઇજાગ્રસ્ત ભુવાની ફરિયાદ પરથી વિશાલ સહિતનાં ૭ શખ્સો સામે ગુનો
દાખલ કર્યો હતો. જ્યારે સામા પક્ષે પરિણીતાએ ઇજાગ્રસ્ત વૃધ્ધ ભુવા ચકુભાઈ સાંકળીયા
સામે દાણા જોઇ માનતા કરવાના બહાને પોતાની વાડીએ બોલાવી છેડતી કર્યાની ફરિયાદ
નોંધાવતા વિંછીયા પોલીસે અંધશ્રધ્ધાના નવા કાયદા તળે તથા છેડતી અંગે ગુનો દાખલ
કર્યો હતો.