ભૂખી કાંસનું કામ પણ ખોરંભે પડશે : ડીસ્કોલીફાઈડ થયેલા મેહુલ કન્સ્ટ્રક્શનને ક્વોલિફાઇડ કરાવવા રાજકીય દબાણથી વિવાદ
Vadodara : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટનો વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા બાદ વધુ ભાવના બહાને આ પ્રોજેક્ટ ખોરંભે પડી ગયો છે. તો બીજી બાજુ શહેરના ઉત્તર વિભાગમાં માથાનો દુ:ખાવો બનેલા ભૂખી કાંસના કામ પાછળ રૂપિયા 40 કરોડના ખર્ચે તેને ઊંડો કરી ડાયવર્ઝન આપવા પાછળ રૂ.40 કરોડનો ખર્ચનો અંદાજ મૂકી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પણ ટેન્ડર ખુલી ગયા બાદ એક કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન દ્વારા ડીસ્કોલીફાઈડ કરી દેવામાં આવ્યો. જેથી હવે ફરી એકવાર ભાજપની ભાંજગડને કારણે ભૂખી કાંસનું કામ પણ ખોરંભે પડશે તેમ માનવામાં આવે છે.
વડોદરા શહેરના છાણી વિસ્તારથી લઈ છેક સયાજીગંજ વિસ્તાર સુધીમાં પસાર થતો ભૂખી કાંસનો વિવાદ આ વર્ષે ભારે વરસાદને કારણે ફરી એકવાર ચગ્યો હતો જેને ધ્યાનમાં રાખી વિશ્વામિત્રી પ્રોજેક્ટની સાથે સાથે ભૂખી કાંસ ઊંડો કરવા અને તેનું ડાયવર્ઝન કરવાનું નક્કી થયું હતું. તે આધારે કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયાસો શરૂ થયા હતા જેમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા રૂ.40 કરોડના અંદાજિત ખર્ચ મૂકવામાં આવ્યો હતો. આ ટેન્ડર પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટર મેહુલ કન્સ્ટ્રક્શન કંપની એ ટેન્ડર ભર્યું હતું. જેમાં નિયમ પ્રમાણે ડ્રેનેજ અને સ્ટોમ વોટરના કામનો અનુભવનું સર્ટિફિકેટ જે માગ્યું હતું તે મુજબનું સર્ટિફિકેટ મૂક્યું નહીં એટલું જ નહીં ટેન્ડર ફી અને બેંક ગેરંટી ભરપાઈ કરી છે કે નહીં તેની જાણકારી ઓનલાઈન મૂકવાની હોય છે તે પણ મૂકવામાં નહીં આવતા કોર્પોરેશને બનાવેલા નિયમોનો ભંગ કર્યો હોવાથી કોર્પોરેશન દ્વારા મેહુલ કન્સ્ટ્રકશનને ડિસ્કોલીફાઈડ કરી દેવામાં આવ્યો હતો. મેહુલ કન્સ્ટ્રકશનને કોર્પોરેશન દ્વારા ડિસ્કોલીફાઈડ કરી દેવાની જાણકારી ભાજપના એક અગ્રણીને થતા તેમણે મ્યુનિસિપલ કમિશનર તથા અધિકારીઓ પર દબાણ કરી તેને કોઈપણ સંજોગોમાં ક્વોલિફાઇડ કરવા રજૂઆત કરી હોવાનું બહાર આવતા ભાજપની ભાંજગડ ફરી એકવાર બહાર આવી છે.
ભાજપની ભાંજગડને કારણે જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ખોરંભે પડી ગયો તે જ રીતે હવે ભાજપની ભાંજગડને કારણે ભૂખી કાંસમાં જ્યાં સુધી ભાજપના આગેવાનના માનિતા કોન્ટ્રાક્ટરને ક્વોલીફાઈડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી મંજૂરી આપવામાં આવશે નહીં તેવી વાત બહાર આવી છે જેથી વિવાદ સર્જાયો છે.