ભુજની મહિલાને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરની ઓળખ આપીને ઠગબાજો 4.45 લાખ ધૂતી લીધા
તંત્ર દ્વારા કોલર ટયુન મારફતે વારંવાર ચેતવવા છતાં
તમારા નામે પાર્સલ આવ્યું છે, જેમાં પાંચ પાસપોર્ટ, ૧૪૦ ગ્રામ એમડી ડ્રગ્સ, ડોલર છે કહી દમદાટી આપી
પોલીસ અધિકારીના નામે કોઇ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો, સાવધાન રહેવા માટેની તંત્ર દ્વારા વારંવાર ફોનમાં કોલર ટયુન મુકવામાં આવી છે. તેમજ છતાં ભુજના મહિલા આવા ધૂતારાઓનો શિકાર બની ગયા હતા. ભુજના ભાવેશ્વરનગરમાં આદીનાથ એલીટામાં રહેતા રીમાબેન વિકાસભાઇ મહેતા સાથે ગત ૩૦ ડીસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન બનાવ બન્યો હતો. ફરિયાદી મહિલાને તેમના મોબાઇલ ફોન પર એક અજાણ્યા અને કુરીયર એજન્ટની ઓળખ આપનાર વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે, તમારા અધાર કાર્ડ નંબર પરથી એક પાર્સલ આવ્યું હોવાનું જણાવી અને તેમાં ગેરકાયદે ચીજવસ્તુઓ હોવાનું જણાવ્યું હતું. બાદમાં એક અજાણ્યા નંબરથી ફરિયાદી મહિલાને વોટ્સએપ વીડીયો કોલ આવેલ જેમાં પોતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને અજાણ્યા વ્યક્તિએ મહિલાને તમારા પાર્સલમાં પાંચ પાસપોર્ટ, ૧૪૦ ગ્રામ એમ.ડી. ૫ હજાર અમેરીકન ડોલર તથા કપડા હોવાનું કહી તમારા આધાર કાર્ડનો અન્ય ક્યાંય ઉપયોગ થયો છે. કે, નહી તે તપાસ કરતાં રાજ્યના અલગ અલગ બેન્કમાં તમારો આધાર કાર્ડ લીંક હોવાનું કહીને આ એકાઉન્ટમાં ૨૧ કરોડ છે. તમારી બધી પ્રોપર્ટી વેરીફાઇ કરી પડશે ત્યાર બાદ તમને એનઓસી આપશું તેમ જણાવ્યું હતું. તમારા મોબાઇલ ફોન સ્ક્રીન અમારી સાથે શેર કરવી પડશે તેમ કહ્યું હતું. જેથી ફરિયાદી મહિલા ગભરાઇ ગઇ હતી. ત્યાર બાદ આરોપીઓના કહેવાથી ફરિયાદી મહિલાએ પોતાના શેર માર્કેટના રૂપિયા, એફડીમાં રહેલા રૂપિયા આરોપીઓના કહેવાથી અલગ અલગ યુપીઆઇ મારફતે ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ ફરિયાદી મહિલાએ તેમના પતિને વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાન્ચવાળાઓ આવી રીતે વેરીફીકેશન કરે નહી આપણા સાથે ફ્રોડ થયો છે. ત્યાર બાદ મહિલાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે.