ભુજમાં દૃશ્યમ જેવો કિસ્સો: પત્નીની હત્યા કરી બીજાના મકાનમાં દાટી દીધી, પછી ફરિયાદ કરી
Bhuj Murder Case : હિન્દી ફિલ્મની સ્ટોરી કે ક્રાઇમ સીનને પણ ટક્કર મારે એવા ભુજ ખાતે પોતાની જ પત્નીની હત્યા કરીને તેની ભાળ મેળવવાના પ્રયાસો કરી ઢોંગ અને ખોટા પુરાવા ઊભા કરી કારસો રચનાર આરોપી પતિ ઇસ્માઇલ માંજોઠીના જામીન ગુજરાત હાઇકોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધા હતા.
આ કેસમાં ચોંકાવનારી વાત એ સામે આવ હતી કે, આરોપી પતિને પોતાની પત્નીની હત્યા કર્યા બાદ તેની લાશ જમીનમાં દાટી દીધી હતી અને બીજી બાજુ, તેના ગુમ થવા અંગે પોલીસમાં ખોટી ફરિયાદ કરી હતી. બીજી તરફ, હાઇકોર્ટમાં ભાળ મેળવવા હેબિયર્સ કોર્પસ અરજી કરી હતી.
પત્નીની ભાળ માટે પતિએ હાઇકોર્ટમાં હેબીયર્સ પણ કરેલી
ચકચારભર્યા આ કેસની વિગત જોઇએ તો, આરોપી પતિ ઇસ્માઇલ માંજોઠી અને તેની પહેલી પત્ની રૂકસાના વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. આ વાતને લઇ રૂકસાનાએ પોલીસમાં ફરિયાદ પણ આપી હતી. બીજીબાજુ, આરોપી ઇસ્માઇલે બીજા લગ્ન પણ કરી લીધા હતા, જે પહેલી પત્ની રૂકસાનાને ગમ્યુ નહોતુ. રૂકસાના પતિથી અલગ રહેતી હતી.
જો કે, રૂકસાનાની પોતાની જીંદગીમાં દખલગીરીથી કંટાળેલા આરોપી પતિ ઇસ્માઇલે અન્ય સહ આરોપીઓ સાથે મળી રૂકસાનાનો કાંટો કાઢવાનું કાવતરૂ ઘડયું હતું. તેના ભાગરૂપે વર્ષ 2018માં એક સહઆરોપી રૂકસાનાના ઘેર ગયો હતો અને તેને કોઇક કારણથી ગાડીમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો, જયાં તેની છરીના ઘા મારી હત્યા કરી દેવાઇ હતી. આરોપીઓ દ્વારા બાદમાં લાશને જમીનમાં દાટી દેવાઇ હતી.
મૃતક રૂકસાનાનો મોબાઇલ પણ અમદાવાદ રેલ્વે સ્ટેશનની કચરાપેટીમાં ફેંકી દેવાયો હતો. રૂકસાનાના સંતાનોને કહેવાયુ હતું કે, તેની માતા કોઇ સાથે ભાગી ગઇ છે. બીજીબાજુ, આરોપીઓ દ્વારા મૃતક રૂકસાનાના ખોટા આઇડી પર અજમેર ખાતે રોકાણ કર્યુ હતુ અને ખોટો પુરાવો ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી, બઘુ જાણતા હોવાછતાં આરોપી પતિએ પોતાની પત્ની ગુમ થયા બાબતે પોલીસમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી. આટલુ ઓછુ હોય તેમ પત્નીની ભાળ મેળવવા પતિ ઇસ્માઇલ માંજોઠીએ ગુજરાત હાઇકોર્ટેમાં હેબીયર્સ કોર્પસ અરજી પણ કરી હતી.
સરકારપક્ષ દ્વારા આરોપી ઇસ્માઇલ માંજોઠીની જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું કે, આ એક અતિ ક્રૂર હત્યાનો ચકચારી કેસ છે અને આરોપીના ઘાતકીપણું અને હત્યા છુપાવવાના સમગ્ર ષડયંત્રને જોતાં તેને જામીન આપી શકાય નહી. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે પતિ ઇસ્માઇલ માંજોઠીના જામીન ફગાવ્યા હતા. તપાસ દરમ્યાન અજય દેવગણની દ્રશ્યમ જેવા દ્રશ્યો સામે આવતાં ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
આ સમગ્ર પ્રકરણમાં ક્રાઇમબ્રાંચે તપાસ હાથમાં લેતાં કોલ ડિટેલ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે આરોપીની સખ્તાઇથી પૂછપરછ કરતાં તે આખરે ભાંગી પડયો હતો. જગ્યાએ રૂકસાનાની લાશ દાટી હતી, તે સીમંધર સીટીમાં એક વ્યકિતનું ઘર બની રહ્યું હતું તેના ફલોરીંગ નીચેથી લાશ કાઢી હતી, જેમાં રૂકસાનાના મૃતદેહના હાડકા મળી આવ્યા હતા.