પુત્રોની કરતૂત પર ભીખુસિંહ પરમારના 'જય શ્રીરામ', કોંગ્રેસે કહ્યું - ભાજપનો ખેસ એટલે નો કેસ
Bhikhusinh Parmar News: અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના મંત્રીના પુત્રોની ધોળેદહાડે ખુલ્લેઆમ દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો. અંગત અદાવતમાં એક યુવકને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું હતું, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસે ભાજપને ઘેરતાં કહ્યું હતું કે 'ભાજપનો ખેસ પહેરો અને કાયદાનો ભંગ કરો'. ત્યારે હવે ગાંધીનગર વિધાનસભામાં આવેલા ભીખુસિંહ પરમારને પુત્રોની દાદાગીરી મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવતાં મંત્રીજી 'જય શ્રીરામ' કહીને ચાલતી પકડી હતી. મીડિયાને જવાબ ન આપવો પડે તે માટે તેમણે પ્રવેશદ્વાર બદલી નાખો હતો. ઉલ્લેખનીય છે કે મારામારીની ઘટનામાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. BZ કૌભાંડમાં પણ ભીખુસિંહના પુત્રનું નામ ઉછળ્યું હતું.
મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની દાદાગીરી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે 'એક તરફ સરકાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો... ત્યારે આ કિસ્સામાં મંત્રીના પુત્રએ જ કાયદાનો ભંગ કર્યો છે. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. આ મામલે તો ભાજપનો ખેસ પહેરો અને કાયદાનો ભંગ કરો એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ પણ વાંચો: મોડાસામાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્રની જાહેરમાં ગુંડાગર્દી, યુવકને માર્યો ઢોર માર
શું હતો સમગ્ર મામલો?
થોડા દિવસો પહેલાં અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક લોકોએ માર માર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની અંગત અદાવત રાખીને રોષે ભરાયેલા ભીખુસિંહ પરમારના પુત્રોએ રૌફ જમાવવાના ચક્કરમાં કાયદો વ્યવસ્થાનો ભંગ કરી પૌત્રને માર મારનાર યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. યુવકને મોડાસાથી શોધી કાઢીને માર માર્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક્ટિવા પર સવાર યુવકને પકડીને માર મારવામાં આવતો હોવાનું દેખાઈ રહ્યું છે. આ યુવક ચાલી ચલાવીને ગુજરાન ચલાવે છે.
મંત્રીના પુત્ર કિરણસિંહ પરમાર, રણજીતસિંહ પરમારે અને બીજેપી યુવા મોરચાના પ્રમુખ અમીષ પટેલે મળી યુવક માર માર્યો હોવાનો ચર્ચા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મંત્રીના પુત્રો રૌફ જમાવવા માટે આ પ્રકારે ખુલ્લેઆમ મારામારી કરી કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.