ભાયલી સામુહિક દુષ્કર્મ કેસ: આરોપીઓ વધુ 4 દિવસ રિમાન્ડ પર, હુમલાની બીકે આરોપીઓને વેનમાં પૂરી રખાયા
Bhayali Gang Rape Case : વડોદરાના ભાયલીના સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના રિમાન્ડ પૂરા થતા આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. કેસને લગતી વધુ માહિતી મેળવવા અને પૂછપરછ માટે પોલીસે આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપીઓના વધુ ચાર દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. બીજી તરફ આરોપીઓ પર ઈન્ક એટેક થવાની બાતમીના આધારે પોલીસે આરોપીને વેનની બહાર કઢ્યા નહોતા.
આરોપીઓ પર ઈન્ક અટેક થવાની હતી બાતમી
આરોપીઓને પહેલીવાર જ્યારે રિમાન્ડ માટે રજૂ કરાયા ત્યારે કોર્ટમાં તેમના પર ટપલીદાવ થયો હતો. જ્યારે આજે પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ પર વકીલો સહી નાખીને વિરોધ કરશે. જેને લઈને પોલીસે આરોપીને કોર્ટ પરિસરમાં વેનમાં જ પૂરી રાખીને રિમાન્ડ મેળવી સીધા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર રહેશે
ભાયલી સામૂહિક દુષ્કર્મના આરોપીઓના રિમાન્ડ આજે પૂરા થતા કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ મેળવાયા છે. જેમાં આરોપીઓ આગામી 14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર મોકલાયા છે. પોલીસ દ્વારા વધુ તપાસ અને પુરાવા એકઠા કરવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. તેવામાં કોર્ટ દ્વારા આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
રિમાન્ડના કારણોમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ તપાસ દરમિયાન પોલીસને સતત ગોળગોળ ફેરવી રહ્યા છે. તપાસમાં પૂરતો સહયોગ ન આપતા હોવાથી વધુ રિમાન્ડની માંગ કરાઈ હતી.