Get The App

ભાયાણી કેસરિયો પહેરીને પેટાચૂંટણી લડવાની વેતરણમાં, ભાજપમાં કચવાટ

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
ભાયાણી કેસરિયો પહેરીને પેટાચૂંટણી લડવાની વેતરણમાં, ભાજપમાં કચવાટ 1 - image


ફરી વિસાવદર બેઠક પર ઊભા રહેવા અંદરખાને પ્રચાર- પ્રવાસ શરૂ  : 'આપ'માંથી ચૂંટણી જીત્યા બાદ 'પક્ષપલ્ટુઓને વિસાવદરની જનતા ક્યારેય સ્વીકારતી જ નથી' એમ પોતે જ કહ્યું હતું છતાં ચૂંટણીનો મોહ

જૂનાગઢ, : વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ થોડા દિવસો પહેલાં રાજીનામું આપ્યું ત્યારે કમુહૂર્તા પુર્ણ થયા બાદ નવા પક્ષમાં જોડાવાની જાહેરાત કરી હતી. હવે કમુહૂર્તા પુરા થતાં તે ભાજપમાં જોડાવાના હોવાનું નક્કી થયું છે. અયોધ્યા રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ તે વિધિવત ભાજપમાં પ્રવેશ કરશે અને ફરી વિસાવદર બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. આ તબક્કે, આયાતી ઉમેદવારને ટિકિટ આપવાની કથિત હીલચાલ સામે ભાજપના કાર્યકર્તા વર્ગમાં કચવાટ પ્રવર્તવા લાગ્યો છે. ભાયાણી પોતે પણ જાણે જ છે કે, વિસાવદરની જનતા પક્ષપલ્ટુઓના શું હાલ કરે છે. આમ છતાં પણ તે ભાજપમાંથી ચૂંટણી લડવાની રણનીતિ ગોઠવતા અનેક ચર્ચાઓ જાગી છે અને વિસાવદર-ભેસાણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

દસ વર્ષ બાદ ફરી લોકસભાની સાથે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો સંયોગ આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ દ્વારા અન્ય પક્ષના ધારાસભ્યોને રાજીનામા અપાવવાનો સીલસીલો શરૂ થયો હતો જેમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ એક વર્ષ બાદ ધારાસભ્ય તરીકેથી રાજીનામું આપી દીધુ હતું. હાલ વિસાવદર વિધાનસભાની સીટ ખાલી પડી છે. ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધા બાદ હજુ તે કોઈપણ પક્ષમાં જોડાયા નથી.

કમુહૂર્તા હોવાથી ભાયાણી એકપણ પક્ષમાં જોડાયા નથી. હવે તે ભાજપમાં વિધીવત પ્રવેશ કરવાના છે. ભાજપ દ્વારા તેમને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાયાણીએ વિસાવદર વિધાનસભા વિસ્તારનો પ્રવાસ ખેડવાનું પણ શરૂ કરી દીધુ છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને આપ પણ સજ્જ બન્યા છે. કોંગ્રેસ દ્વારા તાજેતરમાં વિસાવદર, ભેસાણ અને બિલખામાં સંમેલનો યોજવામાં આવ્યા હતા. જ્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ વિસાવદરના કાલસારીમાં સંમેલન યોજી આગેવાનો સાથે ચૂંટણી સંબંધિત બેઠકો કરી હતી.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીનો વિજય થયા બાદ મીયિાએ તેમને સવાલો પુછ્યા હતા કે, ભાજપના ઉમેદવાર અને ખેડૂત નેતા હર્ષદ રીબડીયાની હારનું મુખ્ય કારણ શું હોય ? આ સવાલના જવાબમાં તેણે 'મારે તેમની ટીકાટીપ્પણી કરવી નથી, વિસાવદરની જનતાએ આ વખતે અને અગાઉ પણ પક્ષપલ્ટુઓને સ્વીકાર્યા જ નથી' તેવો જવાબ આપ્યો હતો. આ વાત પરથી ભૂપત ભાયાણી પણ સારી રીતે જાણે જ છે કે વિસાવદરની જનતા ગમેતેવા નેતા હોય પરંતુ તેણે પક્ષ પલ્ટો કર્યો હોય તેને પરાજયનો સ્વાદ ચખાડે જ છે છતાં પણ તેઓ પક્ષ પલ્ટો કરી ચૂંટણી લડવાના મુડમાં જોવા મળી રહ્યા છે.

ભાજપ વિસાવદરમાં ત્રીજીવાર પક્ષપલ્ટુને ટિકિટ  આપશે ?

વિસાવદરમાં વર્ષ 2014ની પેટા ચૂંટણીમાં ભાજપને બદલે જીપીપીમાંથી આવેલા ભરત પટેલને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપ દ્વારા ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમના આગેવાનોને પડતા મુકી કોંગ્રેસમાંથી આવેલા હર્ષદ રીબડીયાને ભાજપમાંથી ચૂંટણી લડાવ્યા હતા. આ વખતે પેટા ચૂંટણીમાં ભૂપત ભાયાણીને ટિકીટ આપે તો ત્રીજીવાર ભાજપને બદલે અન્ય પક્ષમાંથી આવેલાને ટિકીટ આપી ગણાશે. આવી નીતિના કારણે વિસાવદર વિધાનસભા વિસ્તારના ભાજપના આગેવાનોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

વિસાવદરે બે-બે વાર ભાજપના પક્ષપલ્ટુને જાકારો આપ્યો છે 

વિસાવદરના મતદારોની નીતિ છે કે, પક્ષપલ્ટુ કોઈ પણ નેતા હોય તેને ધુળ ચાંટતા કરી દે છે છતાં પણ ભાજપ દ્વારા બે-બે વાર પક્ષપલ્ટુઓને વિધાનસભાની ટિકીટ આપી ચૂંટણી લડાવવામાં આવી રહી છે. હજુ પણ ભાજપ આ નીતિનું પુર્નાવર્તન કરે તેવી ભાજપના જ વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે.


Google NewsGoogle News