ભવનાથ મહંતનાં પાર્ટીફંડ કનેક્શને ભાજપની ઊંઘ હરામ કરી દીધી
ચિંતન શિબિરમાં આ મુદ્દો કર્ણોપકર્ણ ચર્ચામાં રહ્યો : જૂના ભાજપીઓએ ફંડના કારોબારની આકરી ટીકા કરી ફરી પંડિત દિનદયાળજીની વિચારધારા પુનઃ જીવિત થશે ? તેવા સવાલો ઉઠાવ્યા
જૂનાગઢ, : ભવનાથના મહંત બનવા માટે ભાજપના રાષ્ટ્રીય પાર્ટી ફંડમાં પાંચ કરોડ રૂપિયા તથા સમયાંતરે બે કલેક્ટર અને સાધુ સંતોને લાખો રૂપિયા આપવામાં આવ્યા હોવાનો અખાડાનો કથિત લેટર જાહેર થયા બાદ ભાજપમાં હડકંપ મચી ગયો છે. આ ઉપરાંત ગીર સોમનાથમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં પણ આજે મંત્રીઓ તથા ઊચ્ચ અધિકારીઓમાં પણ આ મુદ્દે સતત ગુસપુસ ચાલતી રહી હતી. જૂના ભાજપીઓ આ કાંડથી ખૂબ જ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
આજ સુધી લોકોએ એવી વાત સાંભળી હશે કે કોઈ કોન્ટ્રાક્ટના કામમાં કે ફાઈલ પાસ કરાવવામાં ભાજપમાં પાર્ટી ફંડ આપવામાં આવે છે પરંતુ હવે લોકોની આસ્થા સાથે જોડાયેલાં મંદિરના મહંત બનવા માટે પણ ભાજપમાં કરોડો રૂપિયાનું પાર્ટી ફંડ આપવું પડતું હોવાનાં ઘટસ્ફોટ બાદ ગુજરાતભરના લોકોમાં ભારે ટીકા શરૂ થઈ ગઈ છે. ખરા અર્થમાં પાર્ટી ફંડમાં નાણાં આપવામાં આવ્યા છે કે કેમ તે તો નાણાં આપવાવાળા અને નાણા લેવાવાળા જાણે પરંતુ અખાડાના લેટર પર પાંચ કરોડ આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ છે અને તે લેટર ભાજપના પૂર્વ સાંસદ અને અખાડાના વરિષ્ઠ સંત મહેશગીરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
ભાજપમાં પાર્ટી ફંડમાં પાંચ કરોડ આપવામાં આવ્યા હોવાને મુદ્દે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આ અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દો દિલ્હીમાં પણ ગુંજતો થઈ ગયો છે. પાર્ટી ફંડનાં નામે છેલ્લા ઘણા સમયથી કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ અંગે જૂના ભાજપીઓ તેનાથી નારાજ છે. ભાજપના જૂના આગેવાનોએ આજે સોશિયલ મીડિયામાં ટીકા કરવા માંડી છે કે પીએફ નો કારોબાર અત્યાર સુધી લોકો પૂરતો સીમિત રહ્યો હતો પરંતુ હવે મંદિરો અને સાધુઓ પણ પીએફના કારોબારનો ભાગ બન્યાં છે. ભાજપ માટે આ ઘટના શરમજનક હોવાની ટીકાઓ શરૂ થઈ છે. પંડિત દિન દયાળજીની વિચારધારા હવે ક્યારે પુનઃ જીવિત થશે તે એક સવાલ ઉઠી રહ્યો છે. ભાજપમાં સેવાને બદલે રાજનીતિને ધંધો બનાવી દેનારા જ આગળ વધી રહ્યા હોવાનો વસવસો ભાજપીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ગીર સોમનાથમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં આજે દિવસભર પાર્ટી ફંડ, કલેકટર સહિતનાઓના નામ મુદ્દે ઊચ્ચ અધિકારીઓ અને ભાજપના નેતાઓમાં ચર્ચાનો મુદ્દો ચાલ્યો હતો. અંદરખાને બે આઈએએસ અધિકારીઓના નામ તથા રાષ્ટ્રીય ફંડમાં આપેલી પાંચ કરોડ જેવી રકમ ચિંતન શિબિરનો અવિધિસરનો મુદ્દો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાંચ કરોડ પાર્ટી ફંડમાં અને અન્ય સાધુઓને તથા અધિકારીઓને આપવામાં આવ્યા હોવાના અખાડાના પત્રએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. ભાજપે હવે સમગ્ર મામલે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે.