ક્રિકેટ ટુર્નામેન્ટની લીગ મેચમાં ભાવનગરના મેયરની ટીમનો 8 વિકેટે પરાજય, સતત બીજી મેચમાં હાર
- ઈન્ટર કોર્પોરેશન ટી-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ત્રીજો દિવસ
- ભાવનગરની ટીમે 6 વિકેટ ગુમાવી 97 રન કર્યા હતા, ગાંધીનગરના મેયરની ટીમે 2 વિકેટે ગુમાવી 98 રન કરી જીત મેળવી
ગાંધીનગર મહાનગરપાલિકાના યજમાન પદે ગુજરાતની આઠ મહાપાલિકાની મેયર અને કમિશનરની ટીમ વચ્ચે ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી-ર૦ ડે-નાઈટ ઈન્વીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજે શુક્રવારે ભાવનગરના મેયર અને ગાંધીનગરના મેયરની ટીમ વચ્ચે લીગ મેચ રમાઈ હતી. ભાવનગરની ટીમે બેટીંગ કરી ર૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૯૭ રન નોંધાવ્યા હતા, જેમાં મેયર ભરત બારડે રપ, પંકજસિંહ ગોહિલે ૭, જયદિપસિંહ ગોહિલે ર૮, બાબુ મેરે ૧૧, ગોપાલ મકવાણાએ ૮, ઉપેન્દ્રસિંહે ૧, ભરત ચુડાસમાએ ર અને કુનાલે અણનમ ૧ રન કર્યો હતો. હરીફ ટીમના બોલર ગજેન્દ્રસિંહે ૩ અને પદમસિંહ ચૌહાણે ર વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ગાંધીનગરની ટીમે બેટીંગ કરી ૧૩.૪ ઓવરમાં ર વિકેટે ગુમાવી ૯૮ રન કરી ૮ વિકેટે વિજય મેળવ્યો હતો, જેમાં અંકિત બારોટના રપ, ડો. સંકેતના અણનમ ૩૧ અને પદમસિંહ ચૌહાણના અણનમ ર૧ રન મુખ્ય હતા, જયારે ભાવનગરના બોલર બાબુ મેરે ર વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાવનગરની મેયરની ટીમનો ગઈકાલે ગુરૂવારે વડોદરાના મેયરની ટીમ સામે પરાજય થયો હતો અને આજે ગાંધીનગરની ટીમ પરાજય થયો છે. ભાવનગરના કમિશનરની ટીમનો જામનગર સામે પરાજય થયો હતો. ભાવનગરની બંનેે ટીમનો ખરાબ દેખાવ રહ્યો હતો તેથી બંને ટીમ એક પણ મેચ જીતી શકી નથી અને વીલા મોઢે પાછી ફરી છે.
ભાવનગરની બંને ટીમે હારવાની પરંપરા યથાવત રાખી
ભાવનગરના મેયર અને કમિશનરની ટીમ દર વર્ષે ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જાય છે પરંતુ બંને ટીમ આજ સુધી વિજેતા થઈ નથી અને મોટાભાગે પ્રથમ મેચમાં જ બંને ટીમ હારીને પરત ફરતી હોય છે, આ હારવાની પરંપરા ભાવનગરની બંને ટીમે જાળવી રાખી છે અને એક પણ મેચ જીત્યા વગર બંને ટીમ પરત ફરી છે. બંને ટીમને મોકલવા પાછળ મનપાને ડ્રેસ, બુટ, સાધનો, આવવા-જવા સહિતનો મોટો ખર્ચ થતો હોય છે ત્યારે નગરસેવકો અને કર્મચારીઓએ પ્રદર્શન સુધારવુ જોઈએ પરંતુ તેવુ હજુ સુધી જોવા મળ્યુ નથી. અન્ય મહાપાલિકાઓ લાંબા સમયથી પ્રેકટીસ કરતી હોય છે ત્યારે પરિણામ મળતુ હોય છે અને અહીં તો થોડા દિવસ પ્રેકટીસ કરી સંતોષ માનવામાં આવે છે તેથી પરિણામ મળતુ ન હોવાનુ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે.