ભાવનગરમાં કાળઝાળ ગરમીનો કહેર, તાપમાન 41.60 ડિગ્રી
- આભમાંથી અગ્નિ વરસી, માથા ફાડી નાંખે તેવા આકરા તાપનો અનુભવ
- ગરમ અને ભેજવાળી હવાએ મુશ્કેલી વધારી, હજુ બે દિવસ ગરમીનો પારો 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાના અણસાર
એપ્રિલના અંતિમ તબક્કામાં રાજ્યના અન્ય શહેરોની સાથે ભાવનગરમાં પણ આગ ઝરતી ગરમીનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે સોમવારે ગરમીનો પારો ૪૨.૨ ડિગ્રીએ પહોંચી ગયા બાદ આજે મંગળવારે તાપમાનમાં તો અર્ધો ડિગ્રીના ઘટાડો થયો હતો. પરંતુ મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી રહેતા ગરમીમાં કોઈ રાહત મળી શકી ન હતી. બપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા સુધી તો જાણે આભમાંથી અગ્નિ વરસી રહી હોય તેમ બળબળતી ગરમીનો અહેસાસ થયો હતો. આકરા તાપની સાથે ગરમ અને ભેજવાળી હવાએ મુશ્કેલીમાં વધારો કર્યો હતો. જેના કારણે લોકોએ ઘર-ઓફિસોમાંથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું. સૂર્યાસ્ત બાદ પણ ગરમ હવા ફૂંકાતા ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે હજુ બે દિવસ ગરમીનો પારો ૪૦થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેવાના અણસાર આપ્યા હોય, ભાવનગરવાસીઓને ગરમીમાં કોઈ રાહત મળી શકશે નહીં. ગઈકાલે રાત્રે પણ ગરમીનું જોર રહેતા લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી રહ્યું હતું. જ્યારે આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા અને પવનની ઝડપ ૨૬ કિ.મી. પ્રતિકલાકની રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.