Get The App

ગારિયાધારમાં સરકારી જમીન પર 2 શખ્સે શોપિંગ સેન્ટર બનાવી નાખ્યું, લેન્ડ ગ્રેબિંગ એકટની ફરિયાદ નોંધાઈ

માલિકીની જમીનના બદલે બાજુની સરકારી પડતર જમીનમાં બાંધ કામ કર્યાનો મામલતદાર કચેરીનો અહેવાલ

સર્કલ ઓફિસરે 2 શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટની કલમ અન્વયે ફરિયાદ નોંધાવી

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
ગારિયાધારમાં સરકારી જમીન પર 2 શખ્સે શોપિંગ સેન્ટર બનાવી નાખ્યું, લેન્ડ ગ્રેબિંગ એકટની ફરિયાદ નોંધાઈ 1 - image

ભાવનગર, તા.06 નવેમ્બર-2023, બુધવાર

જિલ્લાના ગારિયાધાર શહેરમાં ખાનગી માલિકીના કબ્જેદાર બે શખ્સોએ તેમની માલિકીની જમીનની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં શોપિંગ સેન્ટર ઉભું કરી લેન્ડ ગ્રેબિંગ કર્યાની ગારિયાધાર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગારીયાધાર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે બે શખ્સ વિરુદ્ધ ગારીયાધાર પોલીસ મથકમાં ગારિયાધારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે સરકારી પડતર જમીનમાં શોપિંગ સેન્ટરનું બાંધકામ કરીને જમીન પચાવી પાડયાની ફરિયાદ નોંધાવી છે. 

ગારિયાધાર સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવતાં બનાવ અંગે ગારીયાધાર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર પંકજકુમાર ધીરુભાઈ બારૈયાએ ગારીયાધાર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગારિયાધાર મામલતદાર કચેરીને ગત તા.૬ જુલાઈ, ૨૦૨૩ના રોજ જીતેન્દ્રભાઈ વેલજીભાઈ ગોહિલ નામના અરજદાર તરફથી એક અરજી મળઈ હતી. જેમાં ગોવિંદ રામજીભાઈ સવાણી (રહે.ગારીયાધાર)અને વિવેક પ્રવીણભાઈ માંડલીકે ગારિયાધારની સર્વે નં.૭૭૮/૧/પૈકી ૧ની સરકારી જમીન કે જેનું ક્ષેત્રફળ ૨૯૩૪ ચોરસ મીટર થાય છે,તે પચાવી તેના પર શોપિંગ સેન્ટર બનાવી નાંખ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ અરજી અંગે હકિકત તપાસવા માટે સરકારી વિભાગ કાર્યરત થયું હતું. જેમાં સ્થળ તપાસ,અધિકારીનો અહેવાલ,આધાર-પૂરાવાની ખરાઈના આધારે સરકારી પડતર જમીનમાં પેશકદમી થઈ હોવાનો અને સરકારી પડતર જગ્યા પર શોપિંગ સેન્ટર બની ગયાનું ફલિત થયું હતું. 

જો કે, આ અહેવાલના આસામીને સરકારી પડતર જમીનમાં કરવામાં આવેલું શોપિંગ સેન્ટરનું બાંધકામ તેમની માલિકીની જમીનમાં ખસેડવા તાકિદ કરવામાં આવી હતી. તે ખસેડવાના બદલે ઉક્ત બન્નેએ ગત તા.૧૪ સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે, ઉક્ત બન્ને શખ્સોએ સરકારી જમીન પચાવી પાડી પોતાની માલિકીની જમીન ખુલ્લી રહે તેમ જાણી જોઈને સરકારી જમીનમાં ઇરાદાપૂર્વક અન અધિકૃત રીતે શોપિંગ સેન્ટરનું બાંધકામ કરી લેન્ડ ગ્રેબિંગ કર્યાનું પૂરાવાના આધારે જાહેર થયું હતું. જેના પગલે અરજદારની અરજી સ્વીકારી પોલીસ ફરિયાદ નોંધાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના આધારે આજે ગારિયાધાર પોલીસે ગારિયાધાર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરની ફરિયાદના આધારે ગોવિંદ સવાણીએ સરકારી જમીન પર કબજો કરી શોપિંગ સેન્ટરનું બાંધકામ કર્યાની તેમજ વિવેક માંડલીકે પ્લાન બનાવી સરકારી જમીન પચાવી પાડયાનો લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ અન્વયે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવને લઈ ભારે ચકચાર મચી છે. 

અરજી મળી એટલે તંત્ર દોડતું થયું 

સરકારી પડતર જમીન પર બે શખ્સો દ્વારા આખુંય શોપિંગ સેન્ટર બની ગયું ત્યાં સુધી સરકારની વિવિધ સંબંધિત કચેરીઓ શું કરતી હતી તેવી સ્થાનિક કક્ષાએ ચર્ચાએ જોર પકડયું છે. તદુપરાંત અરજદારે અરજી કરી ત્યારે મામલતદાર કચેરીના અધિકારીઓ સફાળા જગ્યા હતા.અને નિયમ મુજબની અરજીના આધારે તપાસ ખરાઈ કરી અરજદારની અરજીના આઘારે પોલીસ ફરિયાદ કરી હતી. જો અરજી ન થઈ હોત તો સરકારી જમીનમાં શોપિંગ સેન્ટર બની જવાની ગંભીર ઘટનાનો ઘટસ્ફોટ થાત કે નહીં? તે મામલો પણ સ્થાનિકક્ષાએ ચર્ચાની એરણે ચડયો છે.


Google NewsGoogle News