Get The App

ભાવનગરમાં ધુ્રજાવતી ઠંડી, તાપમાનનો પારો સડસડાટ 5.3 ડિગ્રી નીચે ગગડયો

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
ભાવનગરમાં ધુ્રજાવતી ઠંડી, તાપમાનનો પારો સડસડાટ 5.3 ડિગ્રી નીચે ગગડયો 1 - image


- 2 દિવસ બાદ અચાનક જ ઠંડીનું જોર વધતા નગરજનો ઠુંઠવાયા

- દિવસે પણ ઠંડીનું વર્ચસ્વ રહ્યું, તાપમાન પોણા 2 ડિગ્રી નીચે સરક્યું

ભાવનગર : ભાવનગરમાં બે દિવસ વાદળિયા વાતાવરણના કારણે ઠંડી ગાયબ થઈ ગયા બાદ અચાનક જ ફરી ઠંડીનું જોર વધી જતાં રાતનું તાપમાન સડસડાટ સવા પાંચ ડિગ્રી નીચે ઉતરી ગયું હતું. રાત્રે ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા નગરજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. તો દિવસે પણ ઠંડીનું વર્ચસ્વ રહેવાના કારણે તાપમાનમાં પોણા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

ગઈકાલે સપ્તાહના આરંભે આખો દિવસ ઠંડી ગાયબ રહી હતી. ત્યારબાદ સાંજ ઢળતા ઠંડીનું જોર ધીમીગતિએ વધવા લાગતા રાત્રે ધુ્રજાવતી ઠંડીનો અહેસાસ થયો હતો. મધરાત્રિના સમયે ઠારનું પ્રમાણ વધતા લોકો ઘરની અંદર પણ રીતસરના ઠુંઠવાયા હતા. રાત્રિથી વહેલી સવારના અરસામાં ઠંડીના વધેલા વર્ચસ્વના કારણે લઘુતમ ઉષ્ણતામાનનો પારો ૨૪ કલાકમાં જ ૫.૩ ડિગ્રી નીચે ગગડીને ૧૩.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે દિવસ દરમિયાન પણ ૦૮ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનને કારણે ૧.૭ ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાનમાં ૨૬.૦ ડિગ્રીએ સ્થિર થયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા નોંધાયું હતું. ઉલ્લેખનિય છે કે, બે દિવસની રાહત બાદ ફરી કડકડતી ઠંડીનો અહેસાસ થતાં નગરજનો દિવસે પણ ગરમ વસ્ત્રોમાં ઢંકાયેલા રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, આજે રાત્રિનું તાપમાન સામાન્યથી એક ડિગ્રી અને દિવસનું તાપમાન સામાન્યથી ૨.૬ ડિગ્રી નીચું નોંધાયું હતું.

કાલથી 3 દિવસ માવઠાંની આગાહી

ભાવનગર જિલ્લામાં ભરશિયાળે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ૨૬મી ડિસેમ્બરથી ૨૮ ડિસેમ્બર દરમિયાન જિલ્લાના કેટલાક સ્થળોએ ઓછાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા દર્શાવાઈ છે. જ્યારે ૨૯મી ડિસેમ્બરના રોજ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્રણ દિવસ માવઠાંની કરવામાં આવેલી આગાહીના પગલે રવિપાકને નુકશાની થવાની સંભાવનાઓને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.


Google NewsGoogle News