ભાવનગરમાં રાત ટાઢીબોળ : સિઝનનું રેકોર્ડબ્રેક 12.08 ડિગ્રી નીચું તાપમાન
- 24 કલાકમાં ઠંડીનો પારો સડસડાટ 3.4 ડિગ્રી ગગડી ગયો
- દિવસે 12 કિ.મી.ની ઝડપે શીતલહેર ફૂંકાઈ, ઠંડીએ ભાવેણાંવાસીઓને બાનમાં લીધા : આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડયાં
ભાવનગર : ભાવનગરમાં ભુક્કા બોલાવતી ઠંડી પડતા રાત ટાઢીબોળ રહી હતી. જેના કારણે ઓણ સાલ ચાલું શિયાળાની સિઝનમાં રેકોર્ડબ્રેક ૧૨.૦૮ ડિગ્રી નીચું તાપમાન નોંધાયું હતું. રાત્રિથી સવાર સુધી રીતસરના લોકો ઠંડીમાં ધુ્રજતા જોવા મળ્યા હતા. ખાસ કરીને વહેલી સવારે કામ-ધંધે નીકળતા લોકોને તો ગરમ વસ્ત્રો પણ ઠંડીથી બચાવવામાં સાથ ન આપતા હોય તેવી હાલત થઈ ગઈ હતી.
શહેરમાં રવિવારે મોડી સાંજ સુધી ઠંડીનો માત્ર ચમકારો જ અનુભવ્યા બાદ જેમ-જેમ રાત આગળ ધપતી ગઈ તેમ તેમ ડિસેમ્બરની અસલ ઠંડીએ ચમકારો દેખાડવાનો શરૃ કરી દીધો હતો. રાત્રથી પરોઢિયા સુધી થથરાવતા પવન અને ઠારના કારણે ૨૪ કલાકમાં જ ઠંડીનો પારો સડસડાટ ૩.૪ ડિગ્રી ગગડી નીચે સરકીને ૧૨.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો. સિઝનમાં પ્રથમ વખત જ લઘુતમ ઉષ્ણતાપમાન ૧૩ ડિગ્રીની નીચે પહોંચી ગયા બાદ દિવસે પણ ધુ્રજાવતી ઠંડીએ ભાવેણાંવાસીઓને બાનમાં લીધા હતા. ખાસ કરીને સવારની પાળીમાં સ્કૂલે જતાં બાળકોની હાલત દયનિય બની હતી. તો વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે પણ કડકકડતી ઠંડી મુસીબત બની હતી. તેમાં પણ દિવસે ૧૨ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલી શીતલહેરના કારણે ઠંડીનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું. જેના કારણે શહેરીજનોએ આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડયા હતા. તો ઘણાં લોકોએ ઠંડીથી રાહત મેળવવા તડકાનો સહારો લીધો હતો.
ઉલ્લેખનિય છે કે, રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ૧૫ ડિગ્રીથી નીચે રહ્યો હતો. ત્યારે ભાવનગરમાં પણ સરેરાશ જોઈએ તો રાતનું તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી અને દિવસનું તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી નીચું રહ્યું હતું. ડિસેમ્બરના બીજા સપ્તાહના આરંભનો પ્રથમ દિવસ જ કોલ્ડેસ્ટ રહેતા જાણે કાશ્મીર, માઉન્ટ આબુ જેવું વાતાવરણ થઈ ગયું હોય તેમ લોકોના ઘર-ઓફિસોમાં રહેલા પાણીના ટાંકા-ટાંકી, વાસણો અને ગોળા (કોઠી)માં બરફ જેવું ઠંડું પાણી થઈ ગયું હતું. એ.સી., પંખાને રજા જ આપી દેવામાં આવી હતી. ઠંડીના પ્રભુત્વને કારણે મહત્તમ તાપમાન ૨.૭ ડિગ્રી ગગડીને ૨૬.૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું. સોમવારનો સૂર્યાસ્ત થતાં જ પવનના કારણે ઠંડીનું જોર વધવા માંડતા લોકોએ તાપણાં બેઠકો પણ શરૃ કરી દીધી હતી. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૫૧ ટકા અને બપોરે ૩૫ ટકા રહ્યું હતું.
છેલ્લા પાંચ દિવસમાં લઘુતમ ઉષ્ણતામાન ૦૭.૦૮ ડિગ્રી ઘટયું
ડિસેમ્બરના પ્રારંભિક દિવસોમાં ઠંડીનું જોર હજુ જોવા મળ્યું ન હતું. પરંતુ ગત સપ્તાહના અંતિમ ચરણમાં શિયાળાની ઋતુએ પરચો દેખાડવાનો શરૃ કર્યો હતો. તેના કારણે છેલ્લા પાંચ દિવસમાં લઘુતમ ઉષ્ણતાપમાનમાં ૦૭.૦૮ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. પાંચમી ડિસેમ્બરે શહેરનું લઘુતમ તાપમાન ૨૦.૦૬ ડિગ્રી હતું. તે પોણા આઠ ડિગ્રી ઘટીને આજે ૧૨.૦૮ ડિગ્રીએ પહોંચી ગયું છે.