ભાવનગર પૂર્વના MLAની કારને ટ્રાફિક પોલીસે લોક માર્યું, અર્ધો કલાકમાં ખોલી નાખ્યું
ટોઈગ વાને લોક માર્યા બાદ કાર MLAની જણાતા પોલીસ કાયદો ભુલ્યા
MLAની કાર સહિત ત્રણ કારના લોક ખોલી નાંખ્યા
ભાવનગર, બુધવાર
શહેરનાં ગુલિસ્તા મેદાન નજીક પોતાની કાર પાર્ક કરીને ખરીદી કરવા નિકળેલા ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સહિત આ સ્થળે પડેલી ત્રણ ફોર વ્હિલર કારને ટ્રાફીક પોલીસની ટોઇંગ વાને લોક કરી દીધી હતી. જાકે અંદાજે અડધો કલાક બાદ આજ ટોઈગવાનના કર્મચારીઓએ ધારાસભ્ય સહિત ત્રણ કારના લોક ખોલી નાખ્યા હતા.
કાર લઈને ખરીદી કરવા નીકળ્યા હતા
બનાવ અંગેની પ્રાથમિક વિગતો એવી છે કે, ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને તેમના પતિ અને પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા ખરીદી કરવા માટે શહેરમાં પોતાની હોંડા સિટી કાર લઈને નિકળ્યા હતા. દરમિયાનમાં શહેરનાં ગુલિસ્તા મેદાનના દરવાજા પાસે કાર પાર્ક કરી હતી. આ દરમિયાન ભાવનગર ટ્રાફીક પોલીસ શાખાની ટોઇંગ વાન આ રૂટ પર નિકળી હતી અને તેમણે ધારાસભ્યની કાર સહિત અલગ અલગ ત્રણ કારને લોક મારી દીધા હતા. જોકે આ ઘટના બાદ એકાએક અંદાજે અડધો કલાક બાદ ટોઈંગ વાનના કર્મચારીઓ ઘટના સ્થળે પરત ફર્યા હતા અને ધારાસભ્ય સહિત ત્રણ કારના લોક ખોલી નાખ્યા હતા.
ધારાસભ્યની કાર હોવાથી પોલીસ આંખ મિચામણા કર્યા હોવાની શહેરમાં ચર્ચા
આ સમગ્ર ઘટના ક્રાને ભાવનગર શહેર ટ્રાફીક પી.આઈ. ડીડી ઝાલાએ સત્તાવાર સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, રસ્તા પર પાર્કિંગને લઈ બનાવવામાં આવેલો સફેદ પટ્ટો આ રસ્તા પર ભુસાઈ ગયો હતો. જેના પગલે કાર ચાલકોએ અહીં પોતાના વાહનો પાર્ક કર્યા હોવાની પોલીસને રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે પોલીસે ધારાસભ્ય અને બીજી બે કારના લોક ખોલી દીધા હોવાનું વિગતો આપતા અંતમાં જણાવ્યું હતું. જોકે ધારાસભ્યની કાર હોવાના કારણે આ કિસ્સામાં પોલીસ આંખ મિચામણા કર્યા હોવાની શહેરમાં ચર્ચા જાગી છે.