અલંગમાં ગેરરીતિ: બોગસ દસ્તાવેજોમાં ઈરાની જહાજને ઓમાનનું દર્શાવી તોડવાની મંજૂરી અપાઈ
પ્રતિકાત્મક તસવીર |
Bhavnagar News: ભાવનગર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તોડવા માટે ઈરાનના જહાજને ઓમાનનું દર્શાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનું બહાર આવતાં DRI (Directorate of Revenue Intelligence) અને CBI (Central Bureau of Investigation)એ તપાસ શરૂ કરી છે. ઈરાનના જહાજ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હોવાથી ખોટા દસ્તાવેજો બનાવીને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની મિલિભગતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપોની તપાસ થઈ રહી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે અમેરિકા સાથેના સંબધો વણસે એવી સ્થિતી સર્જાતાં તમામ સેન્ટ્રલ એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
તપાસ વિના જ અપાયું ક્લિયરન્સ
ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 16 પર લંગારવામાં આવેલા જહાજમાં જામનગર અધિકારીઓએ તપાસ કરી હતી અને જહાજના કેપ્ટનનું પણ નિવેદન લીધું હતું. પરંતુ, જહાજ ખરીદનાર અને કસ્ટમના અધિકારીઓ વચ્ચે નાણાંકીય લેવડદેવડ થઈ હોવાથી આગળ કોઈ તપાસ કર્યા વગર ક્લિયરન્સ આપી દેવાયું હતું. હાલ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ભાવનગરના એક કસ્ટમ સુપ્રિટેન્ડન્સે આ જહાજની ફાઈલ પોતાની પાસે દબાવીને મૂકી રાખી હતી કે જેથી કોઈને શંકા ન જાય.
આ પણ વાંચોઃ અમદાવાદમાં નવી બનતી મિલકતનો પહેલો માલિક બિલ્ડર જ ગણાશે, રેવન્યૂ કમિટીનો ઠરાવ
જહાજનું નામ બદલી દેવાયું
હકીકતમાં, આ જહાજ ઈરાનનું છે અને અમેરિકાએ ઈરાન ઉપર પ્રતિબંધ મૂકેલો છે. જેથી આ જહાજ કોઈ ખરીદી કરી શકતું નથી અથવા તેને તોડી પણ નથી શકતું. ગાહેડ નામની ઈન્ટરનેશનલ શિપિંગ કંપનીએ જલિયાણા સેલ્ટનેબલ શિપિંગ કંપનીને જહાજનું વેચાણ કર્યું હતું. ત્યારબાદ ઈરાનના બદલે ઓમાનમાંથી પોર્ટ ક્લિયરન્સ મેળવીને ભાવનગર ખાતે મોકલ્યું હતું અને ભાવનગરમાં કસ્ટમ સમક્ષ બોગસ દસ્તાવેજો અને સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા. આ જહાજનું નામ પહેલા સોલાન હતું તે બદલીને નોલન કરી દેવામાં આવ્યું છે. ઓફિસ ઑફ ધ ફોરેન કંટ્રોલ લિસ્ટેડ જહાજ બ્રેકિંગ માટે આવતા હોય છે અલંગમાં નોલાન નામનું જહાજ પ્લોટ નંબર 16માં આવ્યું છે અને ઓફિસ ઑફ ફોરેન કંટ્રોલ દ્વારા અમેરિકાની વિદેશી નીતિઓના આધારે જહાજ પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે. આવા પ્રકારના જહાજો તેના નિશ્ચિત આયુષ્ય સમાપ્તિ બાદ બ્રેકિંગ માટે મોકલવામાં આવતા હોય છે.
આ પણ વાંચોઃ અંબાજી કોરીડોરના પુનઃવિકાસ અને માસ્ટર પ્લાન પ્રોજેકટને હાઈકોર્ટની લીલીઝંડી
ભાવનગરમાં છપાયું બોગસ સર્ટિફિકેટ
કોઈ પણ જહાજ ભાવનગરના અલંગમાં બ્રેકિંગ માટે આવે તે માટે ઓફિસ ઑફ ધ ફોરેન એસેટ કંટ્રોલનું સર્ટિફિકેટ જરૂરી છે. પ્રાથમિક તપાસમાં અલંગમાં લાવવામાં આવેલા જહાજના સર્ટિફિકેટ બોગસ હોવાનું સામે આવ્યું છે. આ સર્ટિફિકેટ ભાવનગરમાં છાપવામાં આવ્યું હતું. આ જહાન ખરીદનારી કંપનીમાં દુબઈમાં રહેતાં સંજય મહેતાની ભાગીદારી હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ, આ શખસની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, જામનગરના કસ્ટમ અધિકારીઓ દ્વારા ઈરાનના જહાજના ક્લિયરન્સ માટે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.