ખેલ મહાકુંભની સૌરાષ્ટ્ર ઝોનકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાવનગર સીટીની ટીમ ચેમ્પિયન
- જુનાગઢ ખાતે યોજાયેલ હેન્ડબોલ સ્પર્ધામાં ભાઈઓની 16 ટીમે ભાગ લીધો
- ભાવનગર ગ્રામ્યની ટીમ રનર્સઅપ : ભાવનગર સીટીની ટીમ રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેવા જશે
જુનાગઢની આલ્ફા સ્કૂલના મેદાન ખાતે તાજેતરમાં ખેલ મહાકુંભની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ઓપન હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં જુદા જુદા જિલ્લાની ભાઈઓની ૧૬ ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાવનગર સીટીની ટીમને પ્રથમ મેચમાં બાય મળી હતી, જયારે બીજી મેચમાં ભાવનગર સીટીની ટીમે ૧પ-૬ ના સ્કોરથી અમરેલીની ટીમ સામે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ત્રીજી મેચમાં ભાવનગર સીટીની ટીમે રર-૯ ના સ્કોરથી મોરબીની ટીમ સામે જીત મેળવી હતી. હેન્ડબોલ સ્પર્ધાની ફાઈનલ મેચ ભાવનગર સીટી અને ભાવનગર ગ્રામ્યની ટીમ વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચ જીતવા બંને ટીમના ખેલાડીઓએ જોર લગાવ્યુ હતુ તેથી મેચ રસાકસીવાળી બની રહી હતી પરંતુ મેચના અંતે ભાવનગર સીટીની ટીમ ૧પ-૧૦ ના સ્કોરથી ચેમ્પિયન થઈ હતી, જયારે ભાવનગર ગ્રામ્યની ટીમ રનર્સઅપ થઈ હતી.
ફાઈનલ મેચમાં વિજય મળતા ભાવનગરના ખેલાડીઓમાં આનંદની લાગણી ફરી વળી હતી, જયારે ભાવનગર ગ્રામ્યના ખેલાડીઓમાં નિરાશા ફરી વળી હતી. આગામી દિવસોમાં રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા રમાશે, જેમાં ભાવનગર સીટીની ટીમ ભાગ લેવા માટે જશે. રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાવનગર સીટીના ખેલાડીઓ કેવો દેખાવ કરે છે ? તેની રાહ જોવી જ રહી.