પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પિતા-પુત્રની એકસાથે અંતિમયાત્રા નીકળતાં ભાવનગર હિબકે ચઢ્યું
Bhavanagar News: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા છે. જેમાં સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. ત્યારે આજે (24મી એપ્રિલ) મૃતક સ્મિત અને યતીશભાઈના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા. બંને પિતા-પુત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળતાં સમગ્ર શહેરના લોકો હિબકે ચઢ્યાં હતા અને માહોલ ગમગીન બની ગયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા
પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા ભાવનગરના પિતા-પુત્રની ગુરુવારે (24મી અપ્રિલ) અંતિમ યાત્રા નીકળી હતી. મૃતક પિતા-પુત્રના મૃતદેહને ઘરે લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતમાં શૈલેષ કળથિયાની અંતિમ વિધિમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ સી. આર. પાટીલ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ પણ હાજરી આપી હતી અને મૃતકના પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.
આ પણ વાંચો: પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે આ ભયાનક આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી.
યતીશભાઈનો જન્મદિવસ 18 એપ્રિલે જ હતો
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા યતીશભાઈ પરમાર વિશે ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે હજુ તો અમુક જ દિવસ પહેલા એટલે કે 18 એપ્રિલે તેમનો જન્મદિવસ હતો અને જમ્મુ-કાશ્મીરમાં જ તેમણે પત્ની, પુત્ર, સાસુ-સસરા અને અન્ય પરિજનો સાથે મળીને ઉજવણી કરી હતી. ત્યાં જન્મદિવસના ત્રીજા દિવસે જ મૃત્યુને ભેટતાં પરિજનોમાં આઘાત પ્રસરી ગયો છે.
સીએમ પણ હાજર રહ્યા
ઉલ્લેખનીય છે કે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ગઇકાલે તેમના પાર્થિવ દેહ અમદાવાદ લવાયા હતા
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.