દ્વારકાના જગતમંદિરમાં એક જ દિવસમાં 9 મનોરથ યોજાતા ભાવિકો ભાવવિભોર
મંદિરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ધુલીપાવ મનોરથ દર્શન યોજાયા : ઠાકોરજીના ઉત્થાપનની સાથે જ મંગળા આરતીના ઘંટરાવ સહિત દિવ્ય મનોરથનું આયોજન કરાયું
જામ ખંભાળિયા, દ્વારકા, દ્વારકાધીશ જગત મંદિરના પુજારીઓના સેવાપૂજા ક્રમ અનુસાર આજરોજ ગુરૂવારે એક જ દિવસ દરમિયાન ભગવાન દ્વારકાધીશજીના સેવાક્રમ દરમિયાન આખા દિવસ જુદા જુદા 9 મનોરથ, કુંડલા ભોગ, અન્નકૂટ ઈત્યાદિ મનોરથ યોજવામાં આવ્યા હતા. સવારે 6.30 વાગ્યે મંગળા આરતીના ભગવાન દ્વારકાધીશના ઉત્થાપનની સાથે જ શ્રીજીને ધુલીપાવ મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો. મંગળા ભોગના દર્શન દરમિયાન સૌપ્રથમ વખત એક સાથે ચાર ભોગની સેવા ઠાકોરજીને અર્પણ કરવામાં આવી હતી.
જેમાં ભગવાનને ઉત્થાપનની સાથે કરવામાં આવતા ભોગ પૈકીના મંગળા ભોગની સામગ્રીમાં ભગવાનને વૈષ્ણવ સંપ્રદાયના સહયોગથી એક દિવસમાં વધારાના 9 મનોરથ ઉત્સવથી કરવામાં આવ્યા હતા. દ્વારકા જગત મંદિરમાં આખા દિવસ દરમિયાન ઠાકોરજીની અલગ ઝાંખી તથા વિશેષ ઉત્સવ આરતીના દર્શન કરી, ભક્તો ભાવવિભોર થયા હતા. ભગવાન દ્વારકાધીશને પ્રિય એવા પાન, બિડા, માખણ, મિસરી, સુકામેવા, ફળ-ફૂલ સહિતના ભોગ સાથે વૈષ્ણવોએ દર્શન કર્યા હતા.
મંગળા આરતીના નિત્ય ક્રમ બાદ સવારે 9-30 વાગ્યે ભગવાન દ્વારકાધીશજીને કુંડલા ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. સાંજે 5 વાગ્યે ભગવાન શ્રીજીના ઉત્થાપનની સાથે ફરીથી અન્નકૂટ મનોરથ ઉત્સવ આરતી સાથે અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં સુકામેવા 30 મેવા ભોગના દર્શન બાદ રાત્રે 8.30 વાગ્યે ઠાકોરજીની આરતીના દર્શન સાથે નવમો મેવા ભોગ દ્વારકાધીશજીને અર્પણ કરવામાં આવ્યો હતો. આમ, રાજાધિરાજ દ્વારકાધીશજીને પૂર્ણ દિવસ દરમિયાન ખાસ પ્રકારના ઉત્સવ દર્શનના વો તથા અલંકારો સાથે વૈષ્ણવોએ અલૌકિક દર્શન કર્યા હતા.