ભરૂચ બેઠક પર ફરી ગરમાયું રાજકારણ,ભાજપ સાંસદ વસાવાએ AAP પર લગાવ્યો ઉઘરાણીનો આરોપ
ભરૂચ બેઠક પર ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે બેઠક ભરૂચ અને ભાવનગર ફાળવવામાં આવી છે. ભરુચ બેઠક પર AAPએ ચૈતર વસાવાને ટિકિટ આપી છે. તો બીજેપીએ ફરી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. આ દરમિયાન મનસુખ વસાવાએ દેડિયાપાડા-સાગબારામાં આપના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાકટર પાસથી પૈસાની ઉઘરાણી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.
'ધારાસભ્યનું નામ લઈને રૂ. 2.5 લાખની માંગણી'
ભાજપના સાતમી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ દેડિયાપાડા-સાગબારામાં આપના નેતાઓ ચૈતર વસાવાના નામે ઉઘરાણી કરતા હોવાનો આરોપ લગાવતી 'X' પર પોસ્ટ કરી છે. તેમણે 'X' પર લખ્યું- 'ડેડીયાપાડા અને સાગબારામાં હોળીના નામે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યનું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે. આવી ઘટનાઓ તાલુકાના બધાજ વિભાગના અધિકારીઓ પાસે પૈસાની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની માંગણી કરતા રહે છે. જેની સીધી અસર વિકાસના કામો પર પડશે તેથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને અપીલ છે કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં કામમાં ગુણવત્તા જાળવો આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું.'
મનસુખ વસાવા એક પણ ચૂંટણી નથી હાર્યા
ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. ત્યારે મનસુખ વસાવા આદિવાસી સમાજના સૌથી મોટા નેતા છે અને ભાજપના વરિષ્ઠ નેતા પણ છે. તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી. મનસુખ વસાવા સતત છ વખત ચૂંટણી જીત્યા છે. મનસુખ વસાવા પહેલીવાર 1998માં જીત્યા હતા. ત્યારથી તેઓ ભરૂચ બેઠક પર કબજો જમાવીને બેઠા છે. આમ, તેઓ સતત 27 વર્ષથી લોકસભા જીતતા આવી રહ્યા છે.