હૈદરાબાદ પોલીસ એકેડેમીના નિવૃત્ત IPS દ્વારા વડોદરાના અધિકારીઓને નવા કાયદાની તાલીમ
Vadodara Police Training : ભારતીય ફોજદારી ધારાની જગ્યાએ અમલમાં મુકાયેલા નવા કાયદા હેઠળ કરવાના ઇન્વેસ્ટિગેશન તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા સહિતના મુદ્દે આંધ્રપ્રદેશના નિવૃત આઇપીએસ દ્વારા વડોદરાના પોલીસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે.
વડોદરામાં મળેલી સ્ટેટ લેવલની ક્રાઈમ કોન્ફરન્સ બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા હૈદરાબાદ પોલીસ એકેડેમીના નિવૃત્ત અધિકારી એન.દામોદર મારફતે વડોદરામાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ પીએસઆઇ, પોલીસ ઇન્સ્પેક્ટરો, એસીપી તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
બે દિવસની તાલીમમાં ભારતીય ફોજદારી ધારા તેમજ સીઆરપીસીની જગ્યાએ આવેલા ભારતીય ન્યાય સંહિતા હેઠળ એકત્રિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ પુરાવા, તપાસની ઝડપી પદ્ધતિ, ફરિયાદ લેવાની પદ્ધતિ, દલીલો ઉપરાંત આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે કઈ રીતે ઇન્વેસ્ટિગેશન કરવું તેની વિગતવાર તાલીમ આપવામાં આવી હતી.