Get The App

ભાવ. યુનિ.ના 15 માં કાયમી કુલપતિ પદે રાજકોટના પ્રો.ભરત રામાનૂજની નિમણૂક

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
ભાવ. યુનિ.ના 15 માં કાયમી કુલપતિ પદે રાજકોટના પ્રો.ભરત રામાનૂજની નિમણૂક 1 - image


- સતત 3 વર્ષ બાદ સર્ચ કમિટીના ત્રીજા પ્રયત્ને કુલપતિની પસંદગી થતાં અટકળોનો અંત 

- સૌરાષ્ટ્ર યુનિ.ના શિક્ષણ વિભાગના પ્રાધ્યાપક એવા નવનિયુક્ત કુલપતિની આગેવાનીમાં કોન્વોકેશન યોજાશે : સંઘનું પલડં ભારે રહ્યું

ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કાયમી કુલપતિ માટે સતત ત્રણ વર્ષની કવાયત અને સર્ચ કમિટીના સતત ત્રીજા પ્રયત્ન બાદ સરકારે ૧૫માં કુલપતિ પદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના ડૉ.ભરત રામાનુજ પર પસંદગીનો કળશ ઢોળતાં ત્રણ વર્ષથી ઈન્ચાર્જથી ચાલતાં વહિવટનો અંત આવ્યો છે સાથોસાથ આ નિમણૂકના પગલે લાંબા સમયથી ચાલતી અટકળોનો પણ અંત આવ્યો છે. સરકારના શિક્ષણ વિભાગે આજે મોડી સાંજે વિધિવત નામની ઘોષણા કરતાં યુનિ. ર્કેેમ્પસમાં એકાએક સળવળાટ વધી ગયો હતો. નવનિયુક્ત કુલપતિ સોમવારે વિધિવત ચાર્જ સંભાળશે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીસતત ત્રણ વર્ષથી ઈન્ચાર્જ કુલપતિથી ચાલી રહી હતી. જો કે, યુનિ.એ ત્રણ વર્ષમાં સતત ત્રણવખત સર્ચ કમિટી બનાવીને ૧૫માં કુલપતિની પસંદગીમ માટે તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોઇને કોઇ કારણોસર કુલપતિની વરણીનો પ્રશ્ન હલ થતો ન હતો. સર્ચ કમિટી દ્વારા તબક્કાવાર ત્રણ વખત ત્રણ-ત્રણ નામોનું બંધ કવર સુપ્રત કર્યું હોવા છતાં એક યા બીજા કારણોસર અટકેલી નિમણૂકને લઇ અનેક અટકળો ચાલી રહી હતી જેના પર આજે પૂર્ણવિરામ મુકાયું છે સરકારના શિક્ષણ વિભાગે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.ના શિક્ષણશાસ્ત્રમાં લાંબા સમયથી કાર્ય સાથે સંકળાયેલા, વિદ્યાર્થી પરિષદ અને સંઘના પણ કાર્યકર રહેલા તેમજ ડીન, હેડની સાથો સાથ સીંડીકેટ મેમ્બર રહી ચુકેલા એવા ડો.ભરત રામાનુજની મ.કૃ.ભાવ. યુનિ.ના ૧૫માં કુલપતિ પદ માટે પસંદગી કરી છે અને તેમના નામની સતાવાર ઘોષણા પણ કરી હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બીજી વખત રચાયેલી સર્ચ કમિટીએ મંગાવેલી અરજીના સમયે પણ તેમણે દાવેદારી નોંધાવી હતી અને અંતમાં ત્રીજી વખત અરજી સમયે પણ તેમણે નોંધાવેલી દાવેદારી સફળ રહી હતી. આમ ડો.ભરત બી. રામાનુજના પ્રયત્નો અને સર્ચ કમિટીની મથામણને પણ આજે ન્યાય મળ્યો છે.આગામી તા.૨૧ને સોમવારે તેઓ યુનિવર્સિટીના ૧૫માં કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળશે.ઉલ્લેખનિય છે કે, આ પદ માટે ત્રણ દાવેદારોમાં અન્ય બે દાવેદારો ભાજપના ટોચના નેતાઓના નજીકના શિક્ષણવિદ્દ હતા જેમનું છેલ્લી ઘડી સુધી એડી ચોંટીનું જોર રહ્યું હતું. જો કે, નવનિયુક્ત કુલપતિને સંઘનું મજબૂત પીઠબળ હોવાથી તેમને આ પદ મળ્યું હોવાનું કેમ્પસમાં ચર્ચાઈ રહ્યંું છે. તેમની આગેવાનીમાં આગામી પદ્દવીદાન સમારોહ યોજાશે. 

એકેડમીક, એડમીનીસ્ટ્રેશન અને એક્ઝામીનેશનને પ્રાધાન્ય અપાશે

મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીના નવા નિમાયેલ કુલપતિ ડો. ભરત બી. રામાનુજે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ એકેડેમીક, એડમિનિસ્ટ્રેશન અને એકઝામિનેશન પર વધુ પ્રાધાન્ય આપશે. અને વધુ શ્રેષ્ઠ કામગીરી સહિયારા પ્રયાસથી કરશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં હાલની જરૂરિયાત પ્રમાણેના નવા કોર્સ શરૂ કરવા પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યુ ંહતું કે કામને જ એટલું પ્રાધાન્ય આપીએ કે નેકનો સારો ગ્રેડ મળે જ આમ ઉત્સાહ સાથે નવી દિશા અને નવા સપનાઓ સાથે સોમવારે તેઓ ચાર્જ સંભાળશે. તેમ તેમણે જણાવ્યું હતું. 

15 મા કુલપતી 5 વર્ષના બદલે 3 વર્ષનો કાર્યકાળ રહેશે

મ.કૃ.  ભાવનગર યુનિવર્સિટીના ૧૫મા કુલપતિ પદે સૌરાષ્ટ્ર યુનિ.ના ડો. ભરત બી. રામાનુજની નિયુક્તિ કરવામાં આવી છે. જે હોદ્દો સંભાળે તે તારીખથી અથવા ૬ર્વર્ષ પૂર્ણ થાય જે બેમાંથી વ્હેલુ હોય ત્યાં સુધી પાંચ વર્ષની મુદત માટે નિમણુંક કરાઈ છે. જ્યારે ડો. ભરત રામાનુજ હાલ ૬૨ વર્ષના હોય આગામી જુનમાં નિવૃત્ત થતા હતા જેઓને કુલપતિનું કાર્ય સોંપાતા તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ૬૫ વર્ષે એટલે કે ત્રણ વર્ષ બે મહિના જેટલો કાર્યકાળ રહેશે તેમ જણાયું છે.

Tags :