Get The App

ભંવરલાલે ખેતીની જમીન ખરીદવા ખેડૂતનું બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યું

વાઘોડિયાના ધારાસભ્યની ફરિયાદ બાદ હાથ ધરાયેલી તપાસમાં ઘટસ્ફોટ ઃ ભંવરલાલ ગૌડની ધરપકડ

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
ભંવરલાલે ખેતીની જમીન ખરીદવા ખેડૂતનું બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યું 1 - image

વડોદરા, તા.11 કરજણ તાલુકાના છંછવા ગામની ખેતીની જમીન ખરીદ્યા બાદ ખેડૂત ખાતેદાર તરીકેનો ખોટો દાખલો રજૂ કરનાર વડોદરાના અગ્રણી ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગૌડ સામે કરજણ મામલતદારે સરકાર સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ભંવરલાલની ધરપકડ કરી હતી.

કરજણના મામલતદાર દિનેશ ફલજીભાઇ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે છંછવા ગામની સીમમાં ૫૪૬૩ ચો.મી. ખેતીની જમીન બેલીમ મંગળભાઇ ઉર્ફે મહંમદભાઇ મોજમભાઇ (રહે.ચોરંદા)ના નામે ચાલતી હતી અને તે જમીન તા.૨૧ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી ભંવરલાલ લક્ષ્મીનારાયણ ગૌડે વેચાણ રાખી હતી. જેની રેવન્યૂ રેકર્ડમાં કાચી નોંધ પડી હતી અને નોંધનો નિર્ણય કરતી વખતે ભંવરલાલ પોતે ખેડૂત ખાતેદાર હ ોવાના પુરાવા રજૂ નહી કરી શકતા નોંધ રદ કરી હતી અને ગણોતધારાની કલમ ૬૩ની કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી.

દરમિયાન મામલતદાર અને કૃષિપંચ વડોદરા દ્વારા ગણોતધારાની કલમ ૮૪(સી) હેઠળ કેસ નોંધી ભંવરલાલને ખેડૂત ખાતેદાર હોવાના પૂરાવા રજૂ કરવા નોટિસ આપી  હતી. જેથી ભંવરલાલે સોંગદનામું રજૂ કરી નિવેદન લખાવ્યું  હતું કે વડોદરા નજીક આજોડ ગામે સર્વે નંબર ૧૧૭ની ૮૧૧૨ ચો.મી. વાળી ખેતીની જમીન અમો ધરાવતા હતા જે જમીન એક્સપ્રેસ વે માટે સંપાદન થઇ છે અને તેનું વળતર પણ મળ્યું છે. આ સાથે ખાસ જમીન સંપાદન અધિકારીની સહી સિક્કાવાળું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું. બાદમાં કૃષિપંચ મામલતદારે નોટિસ પરત ખેંચી ગણોતકેસ બંધ કરવા હુકમ કર્યો હતો.

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તા.૧૮ નવેમ્બર ૨૦૨૪ના રોજ કલેક્ટરને લેખિત જાણ કરી હતી કે ભંવરલાલ ખોટા ખેડૂત પ્રમાણપત્રથી ખેડૂત બન્યા છે અને તેની તપાસ કરવી જરૃરી છે. બાદમાં કલેક્ટરના આદેશથી ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઇ હતી જેમાં આજોડની જમીનમાં જે સર્વે નંબર દર્શાવ્યો હતો તે જમીન મહાશંકરભાઇ પંડયાના નામે હોવાનો ઉલ્લેખ હતો. જેથી કૃષિપંચ સમક્ષ ગણોત કેસની સુનાવણી દરમિયાન ભંવરલાલે  પોતે ખેડૂત ખાતેદાર છે તેવું બનાવટી પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.

ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે કરજણ પોલીસે આજે સાંજે ભંવરલાલ ગૌડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Google NewsGoogle News