બે દિવસના રિમાન્ડ ભંવરલાલે બોગસ પ્રમાણપત્રથી ખેતીની ખરીદેલી જમીનો અંગે તપાસ
બોગસ પ્રમાણપત્ર ક્યાં, કેવી રીતે બનાવ્યું તેમજ અન્ય કોઇની સંડોવણી અંગે પોલીસે હાથ ધરેલી તપાસ
વડોદરા, તા.12 ખેડૂત હોવાનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરી કરજણ તાલુકાના છંછવા ગામની જમીન ખરીદવાના કેસમાં ઝડપાયેલા ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગૌડે આવા બોગસ પ્રમાણપત્રના આધારે રાજ્યમાં કેટલી જમીનો ખરીદી મિલકતો વસાવી તે સહિત અન્ય મુદ્દાઓ સાથે કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
ગઇકાલે ભંવરલાલ લક્ષ્મીનારાયણ ગૌડ (રહે.આત્મારાજ સોસાયટી, મહેસાણાનગર, નિઝામપુરા)ની કરજણ પોલીસે ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કરજણની કોર્ટમાં આજે રજૂ કર્યા હતાં. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે જમીન સંપાદન અધિકારીની સહી સિક્કાવાળું બોગસ પ્રમાણપત્ર કેવી રીતે અને કોની પાસે બનાવ્યું તેની તપાસ કરવાની છે, બોગસ રાઉન્ડ સીલ તેમજ જમીન સંપાદન અધિકારીના હોદ્દાવાળા રબર સ્ટેમ્પ કેવી રીતે બનાવ્યા અને હાલ ક્યાં સંતાડયા છે તે વિગતો જણાવતા નથી.ે .
પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે અસલ બોગસ પ્રમાણપત્ર ગુનાની તપાસમાં કબજે કરવાનું બાકી છે તેમજ ઘર અને ફાર્મહાઉસની ઝડતી કરવાની છે જેથી આરોપીની હાજરી જરૃરી છે.ે આરોપી સામે અગાઉ વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬માં વડોદરામાં ડીસીબીમાં પણ ગુનો દાખલ થયો છે.