ગુજરાતી ભાષાનાં આભૂષણ ભગવદગોમંડળ શબ્દકોશ, જ્ઞાનકોશનું આજે પ્રાગટય થયું હતું

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ગુજરાતી ભાષાનાં આભૂષણ ભગવદગોમંડળ શબ્દકોશ, જ્ઞાનકોશનું આજે પ્રાગટય થયું હતું 1 - image


ગોંડલના રાજવીએ બનાવેલો નવ ભાગનો જ્ઞાાનકોશ ગૂગલની ગરજ સારે છે જાજરમાન શબ્દકોશમાં 2,81,377 શબ્દો, 5.40 લાખ અર્થ, 28156 રૂઢિપ્રયોગોનો સમાવેશઃ 9270 પાનાંના શબ્દકોશ પાછળ છવ્વીસ વર્ષની જહેમત પહેલો ભાગ 25 મી ઓગષ્ટ 1944માં,  છેલ્લો ભાગ 9માર્ચ 1955 માં પ્રગટ  થયો, 

 રાજકોટ, : આજનો દિવસ ગુજરાતી સાહિત્ય જગતમાં અમૂલ્ય છે કારણ કે ડિજિટલાઈઝેશન યુગ પહેલા ગોંડલના રાજવી સર ભગવતસિંહજીએ રચેલા જ્ઞાાનકોશ શબ્દકોશ ભગવદગોમંડળનો આજે પ્રાગટય દિવસ છે. રાજવીએ ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન મારકેટ શબ્દની જગ્યાએ ગુજરાતી ભાષામાં વપરાતો બઝાર શબ્દ જોયો અને એમને વિદેશમાં ગુજરાતી ભાષાની તાકાત જોઈને શબ્દ કોશ રચવાની તાલાવેલી જાગી હતી. અવિરત છવ્વીસ વર્ષની જહેમતના અંતે 25 ઓગષ્ટ-1944 માં પ્રથમ ભાગ પ્રગટ  થયો હતો.

ગુજરાતી ભાષામાં  સાહિત્યની બે રાજવીઓએ સેવા કરી છે. જેમાં પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહે જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યજીના સહયોગથી સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ રચ્યો અને ગોંડલના રાજવીએ વિદ્યાધિકારી ચંદુલાલ બેચરદાસ પટેલના સહયોગથી ભગવદગોમંડળ શબ્દકોશની રચના કરી છે. સર ભગવતે તાયફાઓમાં લખલૂંટ ખર્ચાઓ કરવાના બદલે શબ્દકોશની રચના કરી છે. આ માટે તેણે રાજય વહીવટની સાથોસાથ કોશ કચેરી અલગ બનાવી હતી. જેમાં રાજવી પોતે રોજ હાજર રહેતા અને વીસ હજાર શબ્દો પોતે એકત્ર કર્યા હતા. એક કારકૂન પ્રૂફરીડરની જેમ શબ્દકોશના પ્રૂફ તપાસતા હતા. આ ભાષા યજ્ઞા સતત છવ્વીસ વર્ષ લાગલગાટ ચાલ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે જાજરમાન શબ્દકોશમાં 2,81,377  શબ્દો, 5.40 લાખ અર્થ, 28156 રૂઢિપ્રયોગોનો સમાવેશ ,9270 પાનાના શબ્દકોશ રચાયો છે. જેનો પહેલો ભાગ ૨૫ ઓગષ્ટ 1944  અને છેલ્લો નવમો ભાગ એમની ગેરહાજરીમાં આઝાદી પછી ૯-૩-૧૯૫૫ એમના અનુગામી ભોજરાજજીએ પ્રગટ કરાવ્યો હતો. આ શબ્દકોશમાં પ્રથમ ભાગમાં 902 પાના, બીજા ભાગમાં 932 પાના, ત્રીજા ભાગમાં 1226 પાના, ચોથા ભાગમાં 1060 પાના, પાંચમા ભાગમાં 1018, છઠ્ઠાભાગમાં 1014, સાતમા ભાગમાં 1066, આઠમા ભાગમાં 1026 અને નવમા ભાગ સહિતના કુલ 9270 પાના વપરાયા છે.

પોણા ત્રણ લાખનો ખર્ચ, પડતર કિમત રૂા. 545 હોવા છતાં ભાષાપ્રેમીઓને રૂા. 146 માં આપ્યો 

છવ્વીસ વર્ષ દરમિયાન કોષ કચેરી ચલાવવા પાછળ રૂા. 1,64,096 છાપકામ પાછળ 1,08,356 મળી કુલ રૂા.2,72, 450 નો ખર્ચ થયો છે. આ શબ્દકોશમાં જુદી જુદી 23 ભાષાના અર્થો અને વિસ્તૃત વિવરણો અપાયા છે. શબ્દકોશની પડતર કિમત રૂા. 545 થઈ હતી. પણ રાજવીએ ભાષા પ્રેમીઓને ફકત રૂા.146 માં નવે ય ભાગ આપ્યા હતા. શબ્દકોશ બન્યા પછી બધા રાઈટસ નગર પાલિકા પાસે હતા. ઓફસેટ પ્રિન્ટિંગ આવતા ગોંડલ નગરપાલિકાના તત્સમયના પ્રમુખ ગોવિંદભાઈ દેસાઈએ આ શબ્દકોશનું પુનઃમુદ્રણ કરાવવા નકકી  કરતા મુળ ગોંડલ સ્ટેટના ઉપલેટાના વતની રાજકોટના પ્રકાશક ગોપાલભાઈ પટેલે  બીડુ ઝડપ્યું હતુ. હવે આ શબ્દકોશ પર કોપીરાઈટસ હટી ગયા છે અને પબ્લિક ડોમેઈનમાં આવી ગયો છે. 


Google NewsGoogle News