શિહોરીના રાજવીએ અંબાજી પગપાળા સંઘની કરી હતી શરૂઆત, નવરાત્રિમાં માતાજીને આમંત્રણ આપવાની છે પરંપરા
Bhadarvi Poonam Fair 2024: દેશના 51 શક્તિપીઠોમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતું શક્તિપીઠ અંબાજી કરોડો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શકિત, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમો આ મેળો ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે. જેમાં ભાદરવી પૂનમના મહામેળાનું વિશેષ મહત્વ છે. કરોડો માઇભકતો આ મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. ભાદરવી પૂનમ ના મેળામાં પગપાળા આવવાનું અને આસો માસમાં શરૂ થતી નવરાત્રિમાં માતાજીને આમંત્રણ આપવાની પરંપરા છે. લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં પગપાળા સંઘ લઈ આવે છે. ઇ.સ. 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત છે.
ભાદરવી પૂનમ મહામેળામાં 1841 પગપાળા યાત્રા સંધની પરંપરા
ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં મા આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રિ પર્વ ઉજવાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્ત્વ એ છે કે, નવરાત્રિ નિમિત્તે મા અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. અનેક પગપાળા સંઘો ગરબો લઈ માના દ્વાર સુધી આવે છે. મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે.
વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી મા અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માટેનું આમંત્રણ આપે છે.
1500થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી આવે છે
એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંહ રાયકા નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે.
ત્યારબાદ ભીમસિંહને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. ભીમસિંહને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞા કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણો સન 1841ની ભાદરવા સુદ દસમના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઇને પગપાળા સંઘની સ્થાપના કરી હતી. જે પરંપરા આજે દેશવ્યાપી બની ચૂકી છે. આજે નાના-મોટા 1500 થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે.
લાલ દંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન
વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી કે, જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ મા અંબાનાં દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાંનિધ્યમાં આવશે. જેને પગલે વર્ષો પહેલાં અમદાવાદથી પાંચ બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા. દાંતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે.
આ પણ વાંચો: ગોધરાની તાડપત્રી ગેંગના સભ્ય સહિત ત્રણની ધરપકડ, ટ્રકમાંથી વેલ્ડીંગના રોડની કરી હતી ચોરી
આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અકબંધ
દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાનાં દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા મા અંબાને આમંત્રણ આપે છે. આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાનાં દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામના છે તેને મા અંબા આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.