ભચાઉઃ ટ્રેઈલરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી સળિયા ચોરીની પ્રવૃત્તિ પકડાવાઈ
રાજસ્થાનનાં શખ્સને ચોરી કરેલા લોખંડનાં સળિયા અને ટ્રેઈલર સહિત કુલ ૩૪ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ એલ. સી. બી ની ટીમને બાતમી મળી હતી કે, ભચાઉ - સામખિયાળી નેશનલ હાઇવે પર આવેલી આશિષ હોટલ પાછળ આરોપી સાવન ભરતભાઈ જોષી (રહે. ઉપલોવાસ ભચાઉ) વાળો તેમના બે સાગરીતો જગદીશ ઉમેદરામ નાઈ (રહે. બાડમેર રાજસ્થાન) અને મહેન્દ્રસિંહ સાથે મળી હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા ટ્રેઈલરોનાં ડ્રાઇવરોને રૂપિયાની લાલચ આપી તેમના ટ્રેઈલરમાંથી લોખંડનાં સળિયાની ચોરી કરી પોતાના કબ્જામાં રાખી તેનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે. જે સચોટ બાતમી આધારે પોલીસે હોટલની પાછળ મેદાનમાં દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે આરોપી જગદીશને ચોરી કરેલા ૭૦૦ કી. ગ્રામ લોખંડનાં સળિયા અને ૩,૮૫૦૦ બિલ્ટી મુજબનાં લોખંડનાં સળિયા જેમની કુલ કિંમત રૂ. ૧૯,૦૦,૪૨૫નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે બે આરોપી સાવન અને મહેન્દ્રસિંહ પોલીસને હાથ આવ્યા ન હતા. જેથી પોલીસે લોખંડનાં સળિયા સાથર ટ્રેઈલર નં જીજે ૧૨ બીવાય ૩૭૯૬ સહીત કુલ રૂ. ૩૪,૦૦,૪૨૫નો મુદ્દામાલ કબ્જે કરી તમામ ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી બાકી બે આરોપીને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અરે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ - સામખિયાળી હાઇવે પર હાઇવેની હોટલો પર અવાર નવાર કેટલાક ચોરીનાં ધંધાનાં પર્દાફાસ થતાં રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાઇવેની હોટલો પર દારૂ, ચોરીનો ડીઝન, સિમેન્ટ, કેમિકલ અને ઓઈલ સહીતનો મુદ્દામાલ ટ્રેઈલરો માંથી ચોરી કરી વેચાણ કરવામાં આવે છે.પરંતુ સ્થાનિક પોલીસ તેમના વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા તેમની ભૂમિકા શંકાનાં દાયરામાં જણાઈ રહી છે.