કચ્છમાં દલિત યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ગણતરીની કલાકોમાં કરી ધરપકડ
Kutch Molestation Case : ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસોની વાત કરીએ તો વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં એક દલિત યુવતી ગરબે રમી પરત ફરી રહી હતી ત્યારે તકનો ગેરલાભ ઉઠાવી પેવર બ્લોકના કારખાનેદારે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં દુષ્કર્મની ધરપકડ કરી લીધી છે. દુષ્કર્મના આરોપી પ્રવિણ ગોયલ છે અને તે રાપર તાલુકાના ભીમાસર ગામને રહેવાસી છે.
ગણતરીની કલાકોમાં દુષ્કર્મીને પોલીસે ઝડપ્યો
7 ઓક્ટોબર 2024ના રોજ આડેસર ગામના મહાદેવનગરમાં આરોપીના પેવલ બ્લોકના કારખાનામાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જ્યારબાદ આરોપીને તાત્કાલિક પકડવા માટે ભચાઉ ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. ભચાઉ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા દોડધામ શરૂ કરી હતી. આ દરમિયાન આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
કયા કયા ગુના હેઠળ નોંધાઈ ફરિયાદ
આરોપી પ્રવિણ ગોયલ સામે BNS કલમ 64, 296 અને એટ્રોસીટી એક્ટ કલમ - 3(1)(W)(2), 3(2)(5) મુજબ ગુનો નોંધાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પ્રવિણ રાજપૂત વિરૂદ્ધ થોડા સમય અગાઉ ગેરકાયદે વ્યાજખોરીના મુદ્દે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગરબા રમીને પરત ફરતી દલિત યુવતી બની હતી દુષ્કર્મનો ભોગ
મળતી માહિતી અનુસાર, ગત મંગળવારે (7 ઓક્ટોબર) ના રોજ રાપર તાલુકાના આડેસર ગામમં એક દલિત યુવતી ગરબા રમીને રાત્રે 1 વાગ્યાની આસપાસ પરત ફરી રહી હતી. રસ્તામાં યુવતીને અચાનક ચક્કર આવતા સંજય નામનો એક યુવક તેને પાણી પીવડાવવા માટે નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવડાવા લઈ ગયો હતો. યુવક યુવતીને એકલા જોઈ પેવર બ્લોકના કારખાનેદાર પ્રવિણ રાજપૂતની નિયત બગડી હતી. તેણે યુવકને બહાર કાઢી મૂકી દરવાજો બંધ કરી દીધો અને પછી યુવતીની મરજી વિરૂદ્ધ તેના કપડાં ઉતારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન સંજય સાથે એક અન્ય યુવક પણ તેની મદદે આવી પહોંચ્યો હતો. આ ઘટના બાદ યુવતીએ હિંમત દાખવી આડેસર પોલીસ મથકે બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.