જૂનાગઢમાં મહા શિવરાત્રીના મેળામાં જતા પહેલાં તંત્રનો આદેશ જાણી લેજો

પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા ત્રણ મોબાઈલ ટીમની રચના

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
જૂનાગઢમાં મહા શિવરાત્રીના મેળામાં જતા પહેલાં તંત્રનો આદેશ જાણી લેજો 1 - image


Junagadh News: આધ્યાત્મિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા પ્રસિદ્ધ મહા શિવરાત્રીના મેળાનો તારીખ પાંચમી માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે. ત્યારે મહા શિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કલેકટર અનિલકુમાર રાણાવસિયા પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપવાની સાથે સમયાંતરે તેની સમીક્ષા કરી રહ્યા છે. કલેકટરે મહા શિવરાત્રીના મેળામાં ખાસ દેશ અને રાજ્યભરમાંથી આવતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા અપીલ કરી છે. 

આ સંદર્ભે નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ જણાવ્યું કે, 'એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ થયેલી છે. જેની અમલવારી માટે ત્રણ સ્ટેશન ટીમ અને ત્રણ મોબાઇલ ટીમની રચના કરવામાં આવી છે, સ્ટેશન ટીમ ગિરનાર પર્વતની નવી અને જૂની સીડી ઉપરાંત દાતારના એન્ટ્રી પોઇન્ટ પર કાર્યરત છે અને ગિરનાર પર પ્લાસ્ટિક જતું અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરશે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અટકાવવા માટે ત્રણ મોબાઈલ ટીમ કાર્યરત રહેશે, જે મહા શિવરાત્રીના મેળા સહિતના વિસ્તારમાં ફરીને પ્લાસ્ટિક વપરાશને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરશે સાથે જ આ કાયદાની અમલવારીમાં સહકાર ન આપવામાં આવે તો દંડ સહિતની કડક કાર્યવાહી કરશે.'

27 ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત

ઉલ્લેખનીય છે કે, ગિરનાર અભયારણ્ય ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં આવતા 27 ગામમાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પ્લાસ્ટિક પ્રતિબંધની અસરકારક અમલવારી અને પ્લાસ્ટિકથી પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે જનજાગૃતિ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. ગિરનાર સીડી પર પણ હિન્દી ઈંગ્લીશ ગુજરાતી ભાષા ઉપરાંત મહારાષ્ટ્રમાંથી સવિશેષ દત્તાત્રેય ભગવાનના દર્શન માટે ભાવિકો આવતા હોવાથી મરાઠીમાં પણ જનજાગૃતિ અર્થેના સાઈન બોર્ડ બેનર મુકવામાં આવ્યા છે. તેમજ 250 જેટલી ડસ્ટબિન મૂકવામાં આવી છે.

આ ઉપરાંત મહાશિવરાત્રીના મેળા દરમિયાન ગિરનાર સીડી પર સફાઈનું સ્તર પણ જળવાઈ રહે તે માટે વધારાના 200થી વધારે સફાઈ કર્મીઓ કાર્યરત રહેશે. ઉપરાંત વનવિભાગના અન્ય ડિવિઝનના અધિકારીઓ કર્મચારીઓ મેળા દરમિયાન ફરજરત રહેશે. તેમ નાયબ વન સંરક્ષકશ્રીએ જણાવ્યું હતું.


Google NewsGoogle News