નવસારી નજીક હાઈવે પર મધમાખીનો વાહન ચાલકો પર હુમલો : સાતથી વધુ લોકોને ડંખ મારતાં લોકોમાં ફફડાટ
image : Social media
Navsari : નવસારી નજીક જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી તવડી સાગરા રોડ પર આજે સવારે છંછેડાયેલા મધમાખીના ઝુંડે રસ્તે પસાર થતા વાહન ચાલકો પર હુમલો કરતા અફરા તફરી મચી ગઇ હતી. સાતથી વધુ લોકોને અસંખ્ય ડંખ મારતાં નજીકના ખાનગી દવાખાનામાં સારવાર લેવાની નોબત આવી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગત મુજબ નવસારી નજીક જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી ગામે તવડી સાગરા રોડ પર આજે સવારે રસ્તાની બાજુમાં ઝાડી ઝાંખરામાં રહેલા મધમાખીના પૂડાને કોઈ પક્ષીએ છંછેડતા મધમાખીના ઝુંડે વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા અનેક વાહન ચાલકોને એક પછી એક નિશાન બનાવ્યા હતા. જેમાં સવારે દૂધ ભરવા માટે બાઈક પર જઈ રહેલા આકાશ મહેશભાઈ પટેલ અને યતીન રણજીતભાઇ પટેલ પર મધમાખી તૂટી પડી હતી. તેઓ પોતાના બચાવ માટે પુરપાટ ઝડપે બાઈક હંકારી મુકતા માંડ બચાવ થયો હતો. ત્યારબાદ નોકરી પર જઈ રહેલા નિલેશ ગોપાલભાઈ પટેલ પર મધમાખીના ઝુંડે હુમલો કરતા નિલેશ પુરપાટ ઝડપે આગળ દોડ મૂકતા પાચેક ડંખ વાગ્યા હતા. પરંતુ તેમની પાછળ જ માણેકપોર ટંકોલી ગામના જયેશભાઈ બાબુભાઈ પટેલ તેમની દીકરી નિયતી પટેલને મોપેડ પર સ્કૂલ મૂકવા માટે જઈ રહ્યા હતા. તે વખતે અચાનક મધમાખીનું ઝુંડે તેમના પર હુમલો કરતા જયેશને અસંખ્ય ડંખ માર્યા હતા. આથી તેઓ રસ્તા પર ગાડી મૂકીને જીવ બચાવવા ટી શર્ટ કાઢી નાખી ભાગ્યા હતા.આ જોઈ મુખ્ય રસ્તા પર વાહન ચાલકોમાં થોડા સમય માટે અફરા તફરી મચી ગઇ હતી. મધમાખીના હુમલામાં ઇજાગ્રસ્ત જયેશ પટેલ તેમની દીકરી નિયતી અને નિલેશ પટેલને ખાનગી દવાખાનામાં સારવાર લેવી પડી હતી. ત્યારબાદ નોનવેજની શોપમાં કામ કરતા યુવાન ઉપર અને અન્ય એક સાયકલ સવાર શ્રમજીવી ઉપર પણ મધમાખીએ હુમલો કરતા તેમને પણ ખાનગી દવખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે તવડી ગામે પણ ત્રણ વ્યક્તિ પર મધમાખીએ હુમલો કરતા ખાનગી દવાખાનામાં સારવાર લેવાની નોબત આવી હતી. સદભાગ્યે આ બંને અલગ અલગ હુમલાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ મધમાખીના હુમલાની વાતો વાયુવેગે ફેલાતા વાહન ચાલકોમાં ફફડતા વ્યાપી ગયો હતો.