વડોદરાના રામનાથ અને વાસ તળાવની આસપાસ દબાણો હટાવી બ્યૂટિફિકેશનનું આયોજન
Vadodara : વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા રામનાથ તળાવ અને વાસ તળાવની આજુબાજુ દબાણો થઇ ગયા છે અને તળાવના બ્યૂટીફીકેશન માટે આર્જે વિધાનસભાના દંડકે જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી તળાવોની મુલાકાત લીધી હતી. જેમાં સરકારી જમીનમાં થયેલા દબાણો હટાવવાનું નક્કી થયું હતું.
વડોદરાના વાઘોડિયા-ડભોઈ રોડ પર આવેલા વાસ તળાવનું બ્યુટીફીકેશન કરવાનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગેરકાયદે દબાણને કારણે થઇ શક્યું નથી જે અંગે ભાજપના વોર્ડ નંબર 16ના મહિલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલે અવાર નવાર રજૂઆતો કરી હતી. ત્યારબાદ વિધાનસભાના દંડક બાળુ શુક્લએ વાસ તળાવ અને રામનાથ સ્મશાન પાસે આવેલા રામનાથ તળાવની આસપાસ સરકારી અને કોર્પોરેશનની માલિકીની જમીનો પર દબાણો થઇ ગયા છે. એટલું જ નહી તળાવનું પૂરાણ પણ થઇ રહ્યું છે અને તળાવ ઊંડા નથી. જે અંગે આજે જિલ્લા કલેકટર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને તળાવોની જગ્યાનું ડીમાર્કેશન કરવામાં આવ્યું છે ત્યારબાદ હવે તેની આસપાસના દબાણો હટાવી તળાવ ઊંડુ કરી બ્યુટીફીકેશન કરવા અંગે ચર્ચા વિચારણા થઈ હતી.