સગાઈ ગામમાં ઝેરી સાપે દંશ દેતા બીટ ગાર્ડની પત્નીનું મોત
- દેડિયાપાડા તાલુકાના
- બીટ ગાર્ડના પત્ની બપોરે બાથરૂમમાં ગયા તે સમયે જ સાપે દંશ મારતા હથેળીની નસ ફાટી ગઇ
દેડિયાપાડા : દેડિયાપાડા તાલુકાના સગાઈમાં જંગલ ખાતાના સરકારી ક્વાર્ટરમાં આવેલા બાથરૂમાં ઝેરી સાપે ડંખ દેતા બીટ ગાર્ડના પત્નીનુંં સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. દેડિયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ વજેપુર ગામના રહેવાસી વિકેશભાઇ રાઠવા સગાઇ ખાતે બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને બીટ ગાર્ડના સરકારી ક્વાર્ટરમાં રહે છે. તેમના પત્ની અંજનાબેન (ઉ.વ.૨૭) રવિવારે બપોરે એક વાગ્યાના અરસામાં ક્વાર્ટરમાં બાથરૂમમાં ગયા હતા.
ત્યારે કોઇ ઝેરી સાપે ડંખ મારી દેતા જમણા હાથની હથેળી ઉપર એક નશ ફાટી જતાં પ્રથમ સારવાર માટે મોઝદા સરકારી દવાખાને દાખલ કર્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે દેડિયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. દેડિયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.