Get The App

આજથી અન્નપૂર્ણા મહો. : ગોહિલવાડની ગૃહિણીઓ ઉજવણીમાં મગ્ન બનશે

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
આજથી અન્નપૂર્ણા મહો. : ગોહિલવાડની ગૃહિણીઓ ઉજવણીમાં મગ્ન બનશે 1 - image


- વ્રતધારી ગૃહિણીઓ દ્વારા પૂજાપાની કિટની થઈ રહેલી ધૂમ ખરીદી

- શહેરના વડવામાં આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરે વ્રતધારીઓ દર્શનાર્થે ઉમટી પડશે, 21 દિવસ બાદ ઉજવણી થશે

ભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલ તા.૬ ને શુક્રવારથી અન્નપૂર્ણા માતાજીના ૨૧ દિવસીય વ્રતોત્સવ શરૂ થશે. આ સાથે ભાવનગર શહેર અને જિલ્લાની વ્રતધારી ગૃહિણીઓ મહોત્સવની ઉજવણીમાં મગ્ન બની જશે.તો બીજી તરફ મહોત્સવને લઈ જે તે મંદિરોમાં કલાત્મક સુશોભન, શણગારના કાર્યને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

ગોહિલવાડમાં માગશર સુદ છઠ્ઠને તા.૬ ને શુક્રવારથી ભુખ્યા અને ભિક્ષુકને અન્નદાન કરવાના સૌ કોઈને મહિમા સમજાવતા અન્નપૂર્ણા મહોત્સવની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપુર્ણ રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ નિમીત્તે ભાવનગર શહેરના ભીડભંજન મહાદેવ ઉપરાંત વડવામાં આવેલા અંદાજે ૨૪૦ વર્ષ પૌરાણિક ભકતરાજ દેવજી ભગતની ધર્મશાળા, લક્ષ્મણધામ ખાતે આવેલા જગત જનની રાજ રાજેશ્વરી અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં સવારથી જ વ્રતધારી ગૃહિણીઓ અને શ્રધ્ધાળુ પરિવારો દર્શનાર્થે ઉમટી પડશે. માગશર માસમાં સમગ્ર વિશ્વનું ભરણપોષણ કરનારી મા અન્નપુર્ણા માતાજીના વ્રતનો શ્રધ્ધાળુઓમાં અનન્ય મહિમા ગવાઈ રહ્યો છે. ગોહિલવાડની ગૃહિણીઓ આવતીકાલ શુક્રવારથી આગામી ૨૧ દિવસ માટે આ વ્રત કરશે.આ વ્રતની વિવિધ ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયેલી વિધિ મુજબ સુતરના ૨૧ તારને ૨૧ ગાંઠો વાળીને દોરો તૈયાર કરીને હાથે બંધાશે કે  ગળામાં ધારણ કરવામાં આવશે. અથવા તો ઘરમંદિરમાં ફોટા કે મૂર્તિ પાસે બાજોઠ ઉપર લાલ વસ્ત્ર ઉપર ઘંઉ પાથરીને દિપ પ્રાગટય કરવામાં આવશે. માતાજીને અક્ષત, કંકુ, ચંદન અને કેસરનું તિલક કરી વ્રતધારીઓ સતત ૨૧ દિવસ સુધી દરરોજ ઘરના સભ્યો સમક્ષ અન્નપુર્ણા માતાજીની કથાનું વાંચન કરાશે. કથા સમય પ્રમાણે ૨૧ દિવસે ક્રમશ દોરો ધારણ કરાશે. ૨૧ દિવસ બાદ યથાશકિત મુજબ ત્રણ કે પાંચ બાળાઓને જમાડી, દક્ષિણામાં કંકુ, ચુડી,બીંદી, બંગડી અને માળા જેવી શણગારની ચીજવસ્તુઓની સ્મૃતિભેટ આપવામાં આવશે. આ સાથે શુક્રવારથી વ્રતધારી ગૃહિણીઓ એકટાણુ કરશે અને શુક્રવારથી લઈને ૨૧ દિવસ બાદ માતાજીના સાનિધ્યમાં વ્રતધારીઓ દ્વારા ભાવભેર ઉજવણુ કરવામાં આવશે. વ્રતધારીઓ દ્વારા વિધિવત રીતે પુજેલા દોરા જળમાં પધરાવવામાં આવશે. સમાપન અવસરે અન્નપુર્ણા માતાજીના મંદિરોમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન, હોમાત્મક હવન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.


Google NewsGoogle News