સૌરાષ્ટ્ર યુનિ.નું BCA Sem-4નું પ્રશ્ન પેપર લીક થયું હોવાનો ધડાકો
સોશ્યલ મીડિયામાં લીક થયેલા પેપરની વિગતો આજે યુનિ.ને સુપરત થશે : પરીક્ષા શરૂ થાય તેની 90 મિનિટ પહેલાં કોલેજોને મોકલવામાં આવતા ઓનલાઇન પેપર લીંકની કોઇ ફરિયાદ મળી નથી: પરીક્ષા નિયામકે આરોપ નકારી કાઢ્યા : પરીક્ષા પુર્વે 3 દિવસ સુધી પ્રશ્ન પેપરો લીક થયા છે: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આરોપ
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ચાલતી બીસીએ સેમે - 4ની પરીક્ષાનાં પ્રશ્ન પેપરો લીંક થયા હોવાનાં ચોંકાવનારા આક્ષેપો બાદ આ મુદ્દે આવતીકાલ તા. 20 એપ્રિલનાં સવારે 11 વાગ્યે યુનિ. આધાર - પુરાવા સાથે રજૂઆત કરવામાં આવનાર હોવાનું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અલબત્ત યુનિ.નાં પરીક્ષા વિભાગ દ્વારા પેપર લીંકનાં આરોપ નકારી કાઢી આ પ્રકારની ફરિયાદ એક પણ કોલેજમાંથી મળી નહીં હોવાનું જણાવી આજે છેલ્લું પેપર શાંતિપૂર્વક પરીપુર્ણ થયું હોવાનું જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ગત તા. 15 એપ્રિલથી જૂદી - જૂદી પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં બીએ, બી કોમ, બીસીએ સહિતની જૂદી જૂદી 40 પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આ પરીક્ષામાં બીસીએ સેમે - 4માં 5800 વિદ્યાર્થી નોંધાયા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન આજે રાજકોટમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીસીએ સેમે - 4ની પરીક્ષાનાં પ્રશ્ન પેપર લીંક થયા હોવાનું જાહેર કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, કોલેજોને જે પ્રશ્ન પેપરો ઓનલાઇન મોકલવામાં આવે છે. તે પૈકીનાં તા. 16, તા. 18 અને તા. 19નાં પ્રશ્ન પેપર સોશ્યલ મીડિયામાં પરીક્ષા શરૂ થાય. તેના એક કલાક અગાઉ વાયરલ થયા હતા. પેપર લીંકનાં કારણે હોંશિયાર વિદ્યાર્થીઓનું ભાવિ ચિંતાજનક બની રહ્યું હોવાની ફરિયાદો આધાર - પુરાવા સામે મળી છે. સોશ્યલ મીડિયામાં આ પ્રશ્ન પેપર ક્યારે મુકાયું હતું? ક્યાંથી પ્રશ્ન પેપર લીંક થયું? તેની વિગતો અને આધાર - પુરાવા તા. 20નાં સવારે 11 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિ.નાં પરીક્ષા વિભાગમાં રજૂ કરવામાં આવશે.
પ્રશ્ન પેપર લીંક જવાથી ઘટના અંગે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે બીસીએ સેમેસ્ટરની પરીક્ષા 5050 વિદ્યાર્થીઓએ આપી છે. જે પરીક્ષા આજે પુરી થઇ છે. દરેક કોલેજોને ઓનલાઇન પ્રશ્ન પેપર પરીક્ષા શરૂ થાય. તેની 90 મીનીટ પહેલાં મોકલવામાં આવે છે. આજ સુધી આ પ્રકારની ફરિયાદ મળી નથી. આજે પરીક્ષા પુરી થઇ છે. તેથી આ મુદ્દે જો આધાર - પુરાવા સાથે રજૂઆત મળશે તો યુનિ. ચોક્કસ તપાસ કરી પગલાં લેશે. તેમ જણાવ્યું હતું.