પીચ તૈયાર કરવા યુનિ.સત્તાધીશોને આખરે બીસીએની મદદ લેવી પડી
વડોદરાઃ ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આખરે એમ.એસ.યુનિવર્સિટીની ક્રિકેટ ટીમની સિલેક્શન ટ્રાયલ શરુ થઈ છે. સિલેક્શન ટ્રાયલ માટે બરોડા ક્રિકેટ એસોસિએશને ડી એન હોલ મેદાન પર યુનિવર્સિટીને ટર્ફ વિકેટ(પીચ) તૈયાર કરી આપી છે અને તેના કારણે જ ટીમની પસંદગી શક્ય બની છે.
બીસીએસામે બાંયો ચઢાવનાર યુનિવર્સિટી સત્તાધીશોએ કેટલાક મહિનાઓ પહેલા એમઓયુ રિન્યૂ કરવાની ના પાડી દીધી હતી અને તેના કારણે ડી એન હોલ ગ્રાઉન્ડ જંગલમાં ફેરવાઈ ગયું હતું અને ટર્ફ વિકેટને પણ ભારે નુકસાન થયું હતુ.યુનિવર્સિટી પાસે તો આ વિકેટ તૈયાર કરવા નિષ્ણાત વ્યક્તિઓ જ નહીં હોવાથી ક્રિકે ટીમની પસંદગી ઘોંચમાં પડી હતી.
આખરે યુનિવર્સિટી સત્તાધીશોને બીસીએની મદદ વગર નહીં ચાલે તેવું જ્ઞાાન લાધ્યું હતું.યુનિવર્સિટીએ બીસીએને વિકેટ તૈયાર કરી આપવા માટે વિનંતી કરી હતી.જેના કારણે આ વિકેટ તૈયાર થઈ છે અને આજથી સિલેક્શન ટ્રાયલનો પ્રારંભ થયો છે.
મળતી વિગતો પ્રમાણે તા.૨ જાન્યુઆરી સુધી સિલેક્શન ટ્રાયલ ચાલશે.જેમાં યુનિવર્સિટીમાં ભણતા ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લે તેવો અંદાજ છે.પાંચ પસંદગીકારોની પેનલ ખેલાડીઓની પસંદગી કરી રહી છે અને તેમાં બીસીએના એક પ્રતિનિધિનો પણ સમાવેશ થાય છે.ટ્રાયલ બાદ ૪૦ થી ૫૦ સંભવિત ખેલાડીઓની પસંદગી કરાશે અને તેમની વચ્ચે મેચ રમાડવામાં આવશે.જેના આધારે ૧૬ ખેલાડીઓની ટીમની પસંદગી થશે.આ વખતે ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ કોટા ખાતે તા.૮ જાન્યુઆરીથી શરુ થવાની છે.યુનિવર્સિટીની ક્રિકેટ ટીમને જોકે પસંદગી બાદ પ્રેક્ટિસનો તો સમય જ નહીં મળે અને સીધું જ ટુર્નામેન્ટમાં ઉતરવાનો વારો આવશે.